IDBI બેંકના પ્રસ્તાવિત ખાનગીકરણ અને કેનેડાની વિદેશી કંપની ફેરફેક્સ હોલ્ડિંગ્સને બેંક વેચવાના નિર્ણયના વિરોધમાં બેંકના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા 2 અને 3 નવેમ્બર દરમિયાન બે દિવસની દેશવ્યાપી ભૂખ હડતાળનું આયોજન કરવામાં આવ્યું છે. કર્મચારીઓએ બેંકનું નિયંત્રણ વિદેશી ખાનગી કંપનીના હાથમાં સોંપવાના પ્રસ્તાવ સામે વિરોધ નોંધાવી ખાનગીકરણની પ્રક્રિયા તાત્કાલિક અટકાવવાની માગ કરી છે.
કર્મચારીઓના જણાવ્યા મુજબ, IDBI બેંક દેશની મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય સંપત્તિ છે અને તેના વિકાસમાં હજારો કર્મચારીઓએ વર્ષો સુધી યોગદાન આપ્યું છે. બેંકનું ખાનગીકરણ માત્ર કર્મચારીઓના હિતનો પ્રશ્ન નથી, પરંતુ ગ્રાહકોની થાપણો અને દેશની રાષ્ટ્રીય સંપત્તિની સુરક્ષા સાથે પણ જોડાયેલો છે.
કર્મચારીઓની મુખ્ય માગણીઓમાં બેંકના વેચાણ અને ખાનગીકરણની પ્રક્રિયા અટકાવવી, કેન્દ્ર સરકાર બેંકમાં ઓછામાં ઓછો 51 ટકા હિસ્સો જાળવી રાખે અને ગ્રાહકોની થાપણોને સરકારી ગેરંટી આપવામાં આવે તેવી માગ સામેલ છે. આ ઉપરાંત વર્તમાન કર્મચારીઓના પગાર, પેન્શન, ભથ્થાં, નોકરીની શરતો અને અનામત નીતિનું લેખિતમાં રક્ષણ કરવાની પણ માગ કરવામાં આવી છે.
કર્મચારીઓએ સરકારને ખાનગીકરણનો નિર્ણય પાછો ખેંચવા અપીલ કરી છે. ‘બેંક બચાવો, રોજગાર બચાવો, રાષ્ટ્રીય સંપત્તિ બચાવો’ના નારા સાથે યોજાયેલી આ ભૂખ હડતાળ દ્વારા કર્મચારીઓ પોતાની માગણીઓ સરકાર સુધી પહોંચાડશે.











