MORBI:મોરબી સાયબર ક્રાઇમની મોટી કાર્યવાહી: રૂ. ૭.૨૬ કરોડના સાયબર ફ્રોડ આચરતી કુખ્યાત ગેંગ ઝડપાઈ

મોરબી સાયબર ક્રાઇમ પોલીસે “સમાનવય” (SAMANVAYA) અને “NCCRP” પોર્ટલની માહિતીના આધારે આર્થિક ફ્રોડ આચરતી એક કુખ્યાત ગેંગ વિરુદ્ધ લાલ આંખ કરી છે. આ માસ્ટરમાઇન્ડ ગેંગ દ્વારા જરૂરિયાતમંદ લોકોને લાલચ આપી મોટાપાયે સાયબર ઠગાઈ આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
મુખ્ય સૂત્રધાર: ચેતન કિશોરભાઈ પલાણ (ગેંગ લીડર) કૌભાંડની પદ્ધતિ: મોરબીના જરૂરિયાતમંદ લોકોને નજીવા કમિશનની લાલચ આપી તેમના નામે કુલ ૨૨ જેટલા બેન્ક એકાઉન્ટ્સ ખોલાવવામાં આવ્યા હતા.
શંકાસ્પદ વ્યવહારો: આ બેન્ક એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને વર્ષ ૨૦૨૩ થી ૨૦૨૫ દરમિયાન અલગ-અલગ રાજ્યોના લોકો સાથે ઠગાઈ કરી રૂ. ૭,૨૬,૨૦,૨૬૬/- જેટલી જંગી રકમના શંકાસ્પદ વ્યવહારો કરવામાં આવ્યા હતા.

દેશવ્યાપી ફરિયાદો: આ ગેંગ સામે દેશભરમાંથી ૪૧ જેટલી ઓનલાઈન ફરિયાદો નોંધાઈ છે, જેના દ્વારા રૂ. ૧,૩૪,૫૩,૭૯૬/- ના ફ્રોડની રકમ ટ્રાન્સફર કરી ગેરકાયદે આર્થિક લાભ મેળવાયો હતો.
આ ગંભીર ગુનામાં પોલીસે કુલ ૧૧ આરોપીઓ સામે ગુનો નોંધી, ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી બેન્ક એકાઉન્ટ ભાડે આપનાર નીચે મુજબના ૫ આરોપીઓની અટકાયત કરી લીધી છે:હિતેશ મોહનભાઈ પૈજા ,ભાવેશ પ્રાણલાલ રામાવત બળવંતભાઈ દેવશીભાઈ વામજા ,પ્રકાશભાઈ નર્મદાશંકરભાઈ જોશી ,અશ્વિનસિંહ દોલુભા ઝાલા
ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ:આ કેસમાં સંડોવાયેલા મુખ્ય આરોપીઓ ચેતનભાઇ કિશોરભાઇ પલાણ, રાજુભાઇ જોષી ઉર્ફે રાજુ બાબુભાઇ જોષી, ભરતભાઇ બારડ ઉર્ફે ભરત રાવળ, કીરણભાઇ કાંતીભાઇ પરમાર, કાંતીભાઇ તરશીભાઇ પરમાર અને સુરેશભાઇ કાંતીભાઇ પરમારની ધરપકડ કરવાની બાકી છે, જેમણે ઝડપી પાડવાની તજવિજ પોલીસ દ્વારા સઘનપણે ચાલુ છે.
મોરબી પોલીસે નાગરિકો માટે એક સાવચેતી સંદેશો આપતા જણાવ્યું છે કે, “નજીવા આર્થિક લાભ માટે ક્યારેય પોતાના બેન્ક એકાઉન્ટ કોઈને આપવા નહીં અને અજાણ્યા કોલ કે વ્યક્તિ સાથે ઓટીપી અથવા વ્યક્તિગત માહિતી શેર ન કરવી, કારણ કે તમારી સાવધાની એ જ તમારી સાયબર સુરક્ષા છે.”












