ધરમપુરના લેડી વિલ્સન મ્યુઝિયમમાં સ્થાનિક ઇતિહાસની ઉપેક્ષા સામે જનરોષ

‘ધરમપુર ગૌરવ ગેલેરી’ બનાવવાની ડૉ. નિરવ પટેલની ઉગ્ર માંગ

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ધરમપુર સ્થિત સરકારના પુરાતત્વ વિભાગ હસ્તકના ઐતિહાસિક લેડી વિલ્સન મ્યુઝિયમમાં સ્થાનિક ઇતિહાસ, મહાન સંતો, રાષ્ટ્રનાયકો અને સાહિત્યકારોના યોગદાનને યોગ્ય સ્થાન ન મળતું હોવાની લોકલાગણી વચ્ચે હવે જનરોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે સમસ્ત આદિવાસી સમાજ દક્ષિણ ગુજરાતના કન્વીનર અને ગોલ્ડ મેડલિસ્ટ જનરલ સર્જન ડૉ. નિરવ ભુલાભાઈ પટેલે રાજ્યના મ્યુઝિયમ નિયામક, વલસાડ જિલ્લા કલેકટર સહિત ઉચ્ચ વહીવટી તંત્રને પત્ર લખી ‘ધરમપુર ગૌરવ ગેલેરી’ ઊભી કરવાની ઉગ્ર માંગ કરી છે.

આ સમગ્ર વિવાદનું મુખ્ય કેન્દ્ર મ્યુઝિયમમાં શ્રીમદ રાજચંદ્રજીની ગેલેરીને આપવામાં આવેલા સ્થાન અને તેની મંજૂરીની સમયમર્યાદા છે. વર્ષ 1900માં શ્રીમદ રાજચંદ્રજી ધરમપુર પધાર્યા હતા. આ પ્રસંગના 125 વર્ષ પૂર્ણ થવાના અવસરે 23 માર્ચ, 2025ના રોજ મ્યુઝિયમમાં વિશેષ પ્રદર્શન યોજાયું હતું. સ્થાનિક સ્તરે ઉપલબ્ધ માહિતી અનુસાર આ પ્રદર્શન માત્ર 35 દિવસ માટે મંજૂર કરવામાં આવ્યું હોવાની ચર્ચા છે. ત્યારે આ પ્રદર્શનને કાયમી મંજૂરી આપવામાં આવી છે કે કેમ અને તે અંગે કયા સરકારી આદેશો કરવામાં આવ્યા છે, તેની સત્તાવાર માહિતી જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.

ડૉ. નિરવ પટેલે સ્પષ્ટતા કરી છે કે તેઓ શ્રીમદ રાજચંદ્રજીના નામે સ્થાપિત સંસ્થાન કે તેમની સ્મૃતિને મ્યુઝિયમમાં સ્થાન આપવાના વિરોધી નથી, પરંતુ ધરમપુરના ભવ્ય ઇતિહાસ અને અન્ય મહાનુભાવોના યોગદાનને પણ સમાન મહત્ત્વ મળવું જોઈએ.

તેમણે ધરમપુરના પૂજનીય આદિવાસી સંત દિત્યાબાપા, સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સહજાનંદ સ્વામી, હિન્દવી સ્વરાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજ, નંદિગ્રામ આશ્રમના સ્થાપક અને સાહિત્યકાર મકરંદભાઈ દવે, કુંદનિકાબેન કાપડિયા તેમજ ધરમપુર-કપરાડાના ગરીબ અને પછાત પરિવારો માટે આવાસ સહિતની સેવાઓ આપનાર સર્વોદય ટ્રસ્ટના યોગદાનને મ્યુઝિયમમાં સ્થાન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

તેમના જણાવ્યા અનુસાર ધરમપુરના ઇતિહાસ, સામાજિક સુધારણા, આધ્યાત્મિક પરંપરા, સાહિત્ય અને સેવાકીય પ્રવૃત્તિઓનો સમૃદ્ધ વારસો નવી પેઢી સુધી પહોંચે તે માટે મ્યુઝિયમમાં અલગ કાયમી ‘ધરમપુર ગૌરવ ગેલેરી’ અથવા વિશેષ આર્ટ સેક્શન બનાવવું જરૂરી છે.

આ સાથે શ્રીમદ રાજચંદ્રજી ગેલેરીને આપવામાં આવેલી વહીવટી મંજૂરી, તેના સરકારી આદેશો અને મંજૂરીની સમયમર્યાદા અંગેની વિગતો જાહેર કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે. હવે વહીવટી તંત્ર આ રજૂઆત અંગે શું નિર્ણય લે છે અને ધરમપુરના ઐતિહાસિક વારસાને યોગ્ય સ્થાન આપવા માટે કેવા પગલાં ભરે છે તેના પર સ્થાનિક લોકોની નજર મંડાઈ છે.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો