કપરાડાના યુવાનો માટે અદ્યતન મલ્ટી-પર્પઝ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ મંજૂર કરવા હર્ષ સંઘવીને રજૂઆત

રમતગમતની કુદરતી પ્રતિભા ધરાવતા આદિવાસી યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ મળે તેવી ડૉ. નિરવ ભુલાભાઈ પટેલની માંગ

વાત્સલ્યમ સમાચાર

  મદન વૈષ્ણવ

વલસાડ જિલ્લાના અંતરિયાળ અને આદિવાસી બહુલ કપરાડા તાલુકાના યુવાનોમાં રહેલી રમતગમતની કુદરતી પ્રતિભાને પ્રોત્સાહન આપવા તાલુકા મથકે અદ્યતન સુવિધાઓથી સજ્જ મલ્ટી-પર્પઝ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ મંજૂર કરવાની માંગ ઉઠી છે. આ અંગે સમસ્ત આદિવાસી સમાજ દક્ષિણ ગુજરાતના કન્વીનર, ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (વલસાડ)ના પૂર્વ પ્રમુખ અને ગોલ્ડ મેડલિસ્ટ સર્જન ડૉ. નિરવ ભુલાભાઈ પટેલે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તથા રમતગમત મંત્રી હર્ષ સંઘવીને લેખિત રજૂઆત કરી છે.

ડૉ. પટેલે રજૂઆતમાં જણાવ્યું છે કે કપરાડા તાલુકાના આદિવાસી અને ગ્રામીણ વિસ્તારના યુવાનો શારીરિક ક્ષમતા, ખડતલ શરીર અને રમતગમત પ્રત્યેના ઉત્સાહમાં વિશેષ પ્રતિભા ધરાવે છે. એથ્લેટિક્સ, ક્રિકેટ, કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, ફૂટબોલ તેમજ પરંપરાગત તીરંદાજી જેવી રમતોમાં અહીંના યુવાનો રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે નામના મેળવી શકે તેવી ક્ષમતા ધરાવે છે. જોકે, યોગ્ય તાલીમ અને આધુનિક રમતગમતની સુવિધાઓના અભાવે અનેક પ્રતિભાઓને આગળ વધવાની તક મળતી નથી.

હાલમાં કપરાડા તાલુકામાં વ્યાવસાયિક સ્તરની રમતગમત સુવિધાઓનો અભાવ હોવાથી આર્થિક રીતે નબળા પરિવારોના ખેલાડીઓએ તાલીમ અને પ્રેક્ટિસ માટે વલસાડ કે વાપી સુધી જવું પડે છે. પરિણામે અનેક પ્રતિભાશાળી ખેલાડીઓ યોગ્ય માર્ગદર્શન અને સંસાધનોના અભાવે પોતાની ક્ષમતા વિકસાવી શકતા નથી.

આ સમસ્યાના કાયમી ઉકેલ માટે કપરાડા તાલુકા મથકે પ્રોફેશનલ રનિંગ ટ્રેક, લાંબી અને ઊંચી કૂદ માટેની સુવિધા, કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, બાસ્કેટબોલ અને ફૂટબોલ માટે આધુનિક મેદાનો તથા કોર્ટ બનાવવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત પરંપરાગત તીરંદાજી અને કુસ્તી માટે વિશેષ તાલીમ કેન્દ્ર તેમજ યુવાનોની શારીરિક ક્ષમતા વધારવા આધુનિક ઇન્ડોર અને ઓપન જીમની સુવિધા ઊભી કરવા પણ રજૂઆત કરવામાં આવી છે.

ડૉ. નિરવ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રકારનું સર્વગ્રાહી રમતગમત સંકુલ કપરાડાના યુવાધનને યોગ્ય દિશા આપશે. યુવાનોને રમતગમત સાથે જોડીને નશાબંધી તથા અન્ય સામાજિક દૂષણોથી દૂર રાખવામાં અને તેમને રાષ્ટ્રનિર્માણના કાર્યોમાં જોડવામાં આ સંકુલ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.

કપરાડાના આદિવાસી યુવાનોને રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે સ્થાનિક સ્તરે જ આંતરરાષ્ટ્રીય કક્ષાની તાલીમ અને માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર વહેલી તકે હકારાત્મક નિર્ણય લઈ તાલુકા કક્ષાનું મલ્ટી-પર્પઝ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ મંજૂર કરે તેવી આશા ડૉ. પટેલે વ્યક્ત કરી છે.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો