અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં તા. ૧૧થી ૧૮ નવેમ્બર દરમિયાન ‘જનજાતીય ગૌરવ સપ્તાહ’ની ભવ્ય ઉજવણી કરાશે
ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિ નિમિત્તે તા. ૧૫ નવેમ્બરે ખેરંચા ખાતે જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાશે
નિવાસી અધિક કલેક્ટર ડી.વી. મકવાણાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમના સુચારુ આયોજન અંગે બેઠક યોજાઈ

અરવલ્લી જિલ્લામાં ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિ નિમિત્તે આગામી તા. ૧૧થી ૧૮ નવેમ્બર દરમિયાન ‘જનજાતીય ગૌરવ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવશે. આ સપ્તાહ અંતર્ગત જનજાતીય સમાજના ગૌરવશાળી ઇતિહાસ, સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા અને વારસાને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ ઉજવણીના ભાગરૂપે આગામી તા. ૧૫ નવેમ્બરના રોજ શામળાજી તાલુકાના ખેરંચા સ્થિત સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનો મુખ્ય ‘જનજાતીય ગૌરવ દિવસ’ ઉજવાશે. આ ઉપરાંત મોડાસા અને બાયડ વિધાનસભા વિસ્તારમાં પણ વિવિધ કાર્યક્રમો યોજાશે.
જનજાતીય ગૌરવ સપ્તાહના કાર્યક્રમોના સુચારુ આયોજન અને પૂર્વ તૈયારીઓની સમીક્ષા માટે આજે નિવાસી અધિક કલેક્ટર ડી.વી. મકવાણાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી. બેઠકમાં વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાનારી કામગીરી, કાર્યક્રમોની વ્યવસ્થા, વિભાગો વચ્ચે સંકલન અને સોંપવામાં આવેલી જવાબદારીઓ અંગે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ સપ્તાહ દરમિયાન તા. ૧૩ નવેમ્બરના રોજ જનજાતીય યુવા સભાનું આયોજન કરવામાં આવશે, જ્યારે તા. ૧૪ નવેમ્બરના રોજ જનજાતીય મહાપુરુષોના સ્મારકો અને જાહેર સ્થળોએ સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે. આ ઉપરાંત જનજાતીય સમાજની આસ્થા અને પરંપરાને અનુરૂપ સાધુ-સંતોનું સન્માન, ગ્રામ પંચાયતો તથા જાહેર સ્થળોએ ભગવાન બિરસા મુંડાજીના ફોટાની સ્થાપના, તેમના ગૌરવશાળી ઇતિહાસનું વર્ણન, આરતી, દીપોત્સવ અને ભજન-કીર્તન જેવા કાર્યક્રમો પણ યોજાશે.
તા. ૧૫ નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિ નિમિત્તે જિલ્લા કક્ષાનો મુખ્ય જનજાતીય ગૌરવ દિવસ ઉજવવામાં આવશે. આ ઉજવણી જનજાતીય સમાજના યોગદાન, શૌર્ય, સંઘર્ષ અને સાંસ્કૃતિક વારસાને નવી પેઢી સુધી પહોંચાડવાનું માધ્યમ બનશે.
તા. ૧૬ નવેમ્બરના રોજ જનજાતીય સમાજના પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન યોજાશે. જેમાં નિવૃત્ત અધિકારીઓ, ડોક્ટરો, વકીલો, શિક્ષકો, ઉદ્યોગસાહસિકો, પ્રતિષ્ઠિત મહિલાઓ અને પ્રગતિશીલ ખેડૂતો સહિતના આગેવાનો સહભાગી થશે. આ સંમેલનમાં જનજાતીય સમાજના સર્વાંગી વિકાસ માટે સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી તેમજ વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વિચાર-વિમર્શ કરવામાં આવશે.
તા. ૧૭ નવેમ્બરના રોજ જનજાતીય સમાજની પરંપરાગત અને વિસરાતી જતી ગ્રામીણ રમતોને પ્રોત્સાહન આપવાના હેતુથી રમતોત્સવ યોજાશે. જેમાં ગિલ્લી-દંડા, કોથળા દોડ, લખોટી, સાતોડિયું, તીરંદાજી, ભમરડો, દોરડા ખેંચ, કબડ્ડી અને ખો-ખો જેવી પરંપરાગત રમતોનું આયોજન કરવામાં આવશે.
સપ્તાહના અંતિમ દિવસે એટલે કે તા. ૧૮ નવેમ્બરના રોજ જનજાતીય મહિલાઓની સભાનું આયોજન કરવામાં આવશે. જેમાં મહિલાઓને લગતી વિવિધ સરકારી યોજનાઓની જાણકારી આપવામાં આવશે. સાથે જ યોજનાકીય લાભ મેળવનાર મહિલાઓ પોતાના અનુભવો રજૂ કરશે તથા પ્રગતિશીલ મહિલાઓના પ્રેરણાદાયી મંતવ્યો દ્વારા અન્ય મહિલાઓને પ્રોત્સાહિત કરવામાં આવશે.આમ, અરવલ્લી જિલ્લામાં ૧૧થી ૧૮ નવેમ્બર દરમિયાન યોજાનાર જનજાતીય ગૌરવ સપ્તાહ થકી જનજાતીય સમાજના ગૌરવશાળી વારસા, સાંસ્કૃતિક પરંપરા, યુવા શક્તિ, રમતગમત અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.





