MORBI:મોરબી શેરીમાં ગાળો બોલવાની ના પાડતા યુવક પર છરી અને ધોકાથી હુમલો, ફરિયાદ નોંધાઈ

મોરબી:શહેરમાં સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. મોરબીના લખધીરવાસ વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા ૩૦ વર્ષીય યુવક પર શેરીમાં ગાળો બોલવાની ના પાડવા બાબતે એક શખ્સે છરી બતાવી ધમકી આપી અને માથાના ભાગે લાકડાના ધોકાથી જીવલેણ હુમલો કર્યો હોવાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબીના લખધીરવાસમાં રહેતા કિશનભાઈ રમેશભાઈ પનારા (ઉ.વ.૩૦) નામના યુવકે મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી યશરાજસિંહ આનંદસિંહ રાણા (રહે. શનાળા ગામ, મોરબી) વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.

ફરિયાડમાં જણાવ્યા મુજબ, આરોપી યશરાજસિંહ શેરીમાં ઊભા રહીને મોટેમોટેથી ગાળો બોલી રહ્યો હતો. આ બાબતથી ત્રસ્ત થઈને કિશનભાઈએ તેને શેરીમાં ગાળો બોલવાની ના પાડી હતી. આ સામાન્ય રોકટોક આરોપીને સારી લાગી ન હતી અને તે ઉશ્કેરાઈ ગયો હતો.
આરોપીએ ઉશ્કેરાઈ જઈને ફરીયાદી કિશનભાઈને ગાળો આપી હતી અને છરી બતાવીને “તને છરી મારી દઈશ” તેવી ગંભીર ધમકી આપી હતી. આટલું જ નહીં, મામલો વધુ ઉગ્ર બનતા આરોપીએ પોતાની પાસે રહેલા લાકડાના ધોકા વડે કિશનભાઈના માથાના ભાગે બે ઘા ઝીંકી દીધા હતા, જેને કારણે યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
આ બનાવ અંગે ભોગ બનનાર કિશનભાઈ પનારાની ફરિયાદના આધારે મોરબી સિટી એ-ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની તજવીજ હાથ ધરી છે. સામાન્ય બોલાચાલીમાં થયેલી આ હિસાબ વગરની હિંસાથી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.












