અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
સાબરકાંઠા બેંકની સત્તાની લડાઈમાં પરિવારવાદની ચર્ચા તેજ, મહેશ પટેલ ફરી કેન્દ્રમાં – સહકારી વર્તુળોમાં વેવાણ બાદ હવે વેવાઈને ફરી સત્તાના સિંહાસન પર બેસાડવાની તૈયારી હોવાની ચર્ચાઓ..!!!
30 વર્ષથી એક જ પરિવારનું વર્ચસ્વ જાળવવાની કવાયત હોવાના આક્ષેપો વચ્ચે સહકારી રાજકારણમાં ગરમાવો
સાબરકાંઠા જિલ્લામાં સહકારી ક્ષેત્રનું રાજકારણ ફરી ગરમાયું છે. સાબરકાંઠા બેંકની ચૂંટણી અને તેના સત્તાકીય સમીકરણોને લઈને રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. છેલ્લા 30 વર્ષથી એક જ પરિવારનું બેંક પર વર્ચસ્વ જાળવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાના આક્ષેપો વચ્ચે હવે ફરી પરિવારના સભ્યોને સત્તામાં બેસાડવાની કવાયત ચાલી રહી હોવાની ચર્ચા ઉઠી છે.

સહકારી વર્તુળોમાં વેવાણ બાદ હવે વેવાઈને ફરી સત્તાના સિંહાસન પર બેસાડવાની તૈયારી હોવાની ચર્ચા છે. બીજી તરફ સાબરડેરીના વિવાદની આડમાં સાબરકાંઠા બેંકની ચૂંટણીનું રાજકારણ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. બેંકની ચૂંટણી નિર્ધારિત સમય કરતાં આશરે 10 મહિના મોડી યોજાઈ હોવાને લઈને પણ સત્તા જાળવી રાખવા સમય ખેંચવામાં આવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન પણ વેવાઈ-વેવાણનાં નામ આગળ આવતાં સહકારી રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. આ સમગ્ર ઘટનાક્રમમાં સાબરકાંઠા બેંકના પૂર્વ ચેરમેન મહેશ પટેલની ભૂમિકા ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી છે. મહેશ પટેલ ફરી ચેરમેન બનવા માટે સક્રિય હોવાની સહકારી વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે.
મહેશ પટેલ અગાઉ સતત 10 વર્ષ ડિરેક્ટર રહ્યા બાદ ડિરેક્ટર તરીકે ચૂંટણી લડવાની પાત્રતા અને બેંકિંગ રેગ્યુલેશન એક્ટની જોગવાઈઓને લઈને વિવાદમાં આવ્યા હતા. ત્યારબાદ તેમની બોર્ડમાં કોપ્ટ સભ્ય તરીકે વાપસી થઈ હતી. હવે કોપ્ટ સભ્ય તરીકે બોર્ડમાં પ્રવેશ કર્યા બાદ ફરી ચેરમેન બનવાની તેમની મહત્ત્વાકાંક્ષા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. બેંકના બોર્ડમાં તેઓ ક્યારે અને કઈ પ્રક્રિયા હેઠળ કોપ્ટ થયા હતા તે મુદ્દો પણ ચર્ચાનો વિષય બન્યો છે.
આ વિવાદ નવો નથી. વર્ષ 2019માં સાબરડેરીના ચેરમેન પદને લઈને પણ મહેશ પટેલ વિવાદમાં આવ્યા હતા. 18 માર્ચ 2019ના રોજ કોપ્ટ સભ્ય હોવા છતાં ચેરમેન બન્યા બાદ કાયદાકીય વિવાદ સર્જાયો હતો. ત્યારબાદ 26 ઓગસ્ટ 2019ના રોજ પ્રદેશ ભાજપની દરમિયાનગીરી બાદ મહેશ પટેલે રાજીનામું આપ્યું હતું. જૂના વિવાદની પૃષ્ઠભૂમિમાં હવે ફરી ચેરમેન બનવાની કવાયતની ચર્ચા સહકારી ક્ષેત્રમાં અનેક સવાલો ઊભા કરી રહી છે.સાબરકાંઠા બેંકના સત્તાકીય સમીકરણો જાળવવા સાબરડેરીના રાજકારણને આગળ કરવામાં આવી રહ્યું હોવાની પણ ચર્ચા છે. સાબરડેરીની વાર્ષિક સાધારણ સભામાં થયેલા ઉશ્કેરાટ પાછળ રાજકીય ગોઠવણ હોવાના આક્ષેપો પણ સામે આવી રહ્યા છે.
એક તરફ ભાજપ યુવા નેતૃત્વને તક આપવાની વાત કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ સાબરકાંઠા બેંકમાં પરિવારવાદને પ્રોત્સાહન મળી રહ્યું હોવાના સવાલો ઊઠી રહ્યા છે. શું સાબરકાંઠા બેંકની સત્તા ફરી એક જ પરિવારના હાથમાં સોંપાશે..? શું સહકારી ક્ષેત્રમાં નવા ચહેરાઓને તક મળશે કે પછી જૂનાં સત્તાકીય સમીકરણો જ યથાવત્ રહેશે..? હાલ તો સાબરકાંઠા બેંકની સત્તાની લડાઈમાં પૂર્વ ચેરમેન મહેશ પટેલની ભૂમિકા ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી છે. આગામી દિવસોમાં બેંકના સત્તાકીય સમીકરણો કેવો વળાંક લે છે તેના પર સહકારી ક્ષેત્રની નજર ટકેલી છે.









