અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
સાબરકાંઠા અને અરવલ્લીની બે મહત્ત્વની સહકારી સંસ્થાઓની ચૂંટણી મોકૂફ, સહકારી રાજકારણમાં ગરમાવો – સત્તાની ભૂખનુ ગ્રહણ લાગ્યું..!!?

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સહકારી ક્ષેત્રમાં મહત્ત્વનું સ્થાન ધરાવતી સાબરડેરી અને સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની આવતીકાલે યોજાનારી ચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચૂંટણીના ગણતરીના કલાકો પહેલાં જ બંને સંસ્થાઓની ચૂંટણી મુલતવી રાખવામાં આવતા સહકારી રાજકારણમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ છે.બંને સહકારી સંસ્થાઓમાં આગામી અઢી વર્ષની ટર્મ માટે નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની પસંદગી થવાની હતી. આ ચૂંટણીને લઈને પ્રદેશ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી હતી. જોકે, સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અચાનક ચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવતા રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.
ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ થયા બાદ છેલ્લી ઘડીએ લેવાયેલા આ નિર્ણય પાછળનાં કારણો શું છે તે અંગે હાલ વિવિધ અટકળો ચાલી રહી છે. ખાસ કરીને બંને સંસ્થાઓના નવા હોદ્દેદારોની પસંદગીને લઈને સહકારી ક્ષેત્રમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.હવે બંને સંસ્થાઓની ચૂંટણી માટે નવી તારીખ ક્યારે જાહેર કરવામાં આવે છે તેના પર સૌની નજર છે. દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ ચૂંટણી યોજાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.








