વાંસદાના વડબારી ફળિયામાં પરંપરાગત રીતે વાઘબારશની ઉજવણી: વાઘદેવની પૂજા સાથે પ્રકૃતિ અને પશુધન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરાઈ

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

વાંસદાના વડબારી ફળિયામાં આજે આદિવાસી લોકસંસ્કૃતિ અને પ્રકૃતિપૂજાની અનોખી પરંપરા મુજબ વાઘબારશ (ગોવત્સ દ્વાદશી) પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ફળિયાના લોકોએ પરંપરાગત રીતરિવાજ મુજબ વાઘદેવ સહિત પ્રકૃતિ અને રક્ષક દેવોની પૂજા-અર્ચના કરી હતી.

આદિવાસી સમાજમાં વાઘબારશનું વિશેષ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ રહેલું છે. આ પર્વ પ્રકૃતિ સાથેના સહઅસ્તિત્વ, વન્યજીવો પ્રત્યે આદર અને પશુધન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અવસર છે. પરંપરા મુજબ ગામની સીમ અને પશુધનની રક્ષા થાય તેમજ પરિવાર અને સમાજનું કલ્યાણ થાય તેવી ભાવના સાથે વાઘદેવ અને ગોવાળદેવની પૂજા કરવામાં આવે છે.

વડબારી ફળિયામાં આ પ્રસંગે દરેક ઘરેથી અનાજ અને જરૂરી સામગ્રી એકત્રિત કરી સામૂહિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. વાઘદેવની સ્થાપના પાસે પૂજા-વિધિ પૂર્ણ થયા બાદ માટીના ચૂલા પર પરંપરાગત રીતે અડદની દાળ અને ભાત તૈયાર કરવામાં આવ્યા હતા. સાથે ખાંડણીમાં ખાંડેલા સૂકા લાલ મરચાંની દેશી ચટણી પણ પીરસવામાં આવી હતી.

ફળિયાના વડીલો, યુવાનો અને બાળકોએ એકસાથે બેસીને સામૂહિક ભોજનનો આનંદ માણ્યો હતો. આ પ્રસંગે પરંપરાગત ભોજનની સાથે ભાઈચારો, એકતા અને સામૂહિક સહકારની ભાવના પણ જોવા મળી હતી.

આમ, વાંસદાના વડબારી ફળિયામાં વાઘબારશની ઉજવણી ધાર્મિક આસ્થા પૂરતી સીમિત ન રહેતાં આદિવાસી સંસ્કૃતિ, પ્રકૃતિપ્રેમ અને પેઢી દર પેઢી ચાલી આવતી પરંપરાઓને જીવંત રાખવાનો સુંદર પ્રયાસ બની રહી હતી.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો