MORBI:૨૨ વર્ષ બાદ ફરી મળ્યા શાળાના મિત્રો: મોરબીમાં શ્રી એમ. ડી. વિદ્યાલયની ૨૦૦૪ની SSC બેચનું યાદગાર સ્નેહમિલન યોજાયું

મોરબી:સમયના વહેણમાં ચહેરાઓ બદલાય છે અને જવાબદારીઓ વધે છે, પરંતુ સાચી મિત્રતા સમયની સીમાઓથી પર હોય છે. આ જ વાતને સાર્થક કરતી એક ભાવનાત્મક ક્ષણ મોરબી પંથકમાં જોવા મળી હતી, જ્યાં શ્રી એમ. ડી. વિદ્યાલયના વર્ષ ૨૦૦૪ની SSC બેચના આશરે ૪૦ જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ લાંબા ૨૨ વર્ષના અંતરાલ બાદ એકત્રિત થયા હતા.

તા. ૦૫-૧૧-૨૦૨૬ના રોજ લજાઈ ખાતે આવેલી ઓનેસ્ટ હોટેલમાં યોજાયેલા આ સ્નેહમિલન સમારોહમાં વર્ષો બાદ મિત્રો એકબીજાને મળ્યા હતા. શાળાકાળના એ તોફાની દિવસો, મસ્તીભર્યા પ્રસંગો અને જીવનની સફરના અનુભવો વાગોળતી વેળાએ ઉપસ્થિત સૌ કોઈની આંખોમાં ખુશીના આંસુ અને જૂની યાદોની ઝાંખી જોવા મળી હતી. આ મેળાવડો જાણે સમયનું ચક્ર પાછું ફેરવીને સૌને ફરીથી શાળાના સુવર્ણ દિવસોમાં લઈ ગયો હોય તેવી અનુભૂતિ કરાવી ગયો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત મિત્રોએ ભાવુક થઈને જણાવ્યું હતું કે, “જૂના ચહેરાઓને ફરી નવા મળવાનું અને નવા થયેલા ચહેરાઓને ફરી જૂના કરવાનો સમય મળ્યો…”
આ અનોખો મેળાવડો માત્ર એક સામાન્ય રિયુનિયન ન રહેતાં, ૨૨ વર્ષ જૂની મિત્રતાને નવું જીવન આપનાર, સંબંધોમાં ઉષ્મા પૂરનાર અને કાયમ માટે યાદગાર બની રહે તેવી અમૂલ્ય ક્ષણોનો અનોખો અવસર બની રહ્યો હતો.












