કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અમદાવાદ મુલાકાતને પગલે 6થી 10 નવેમ્બર સુધી સમગ્ર શહેર ‘નો ડ્રોન ફ્લાય ઝોન’ જાહેર

રિપોર્ટર

હિતેન્દ્ર ગોસાઈ

અમદાવાદ

અમદાવાદ પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૌત દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ; ડ્રોન, ક્વાડકોપ્ટર સહિતનાં હવાઈ સાધનોના ઉપયોગ પર પ્રતિબંધ

 

અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 6 નવેમ્બરથી 10 નવેમ્બર, 2026 દરમિયાન અમદાવાદ શહેરની મુલાકાતે આવનાર હોવાથી શહેરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા માટે અમદાવાદ પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૌત દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગૃહમંત્રીની મુલાકાત દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ સુરક્ષાને લગતી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી સમગ્ર અમદાવાદ શહેરને નિર્ધારિત સમયગાળા માટે ‘નો ડ્રોન ફ્લાય ઝોન’ જાહેર કરવામાં આવ્યું છે.

 

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ 163 હેઠળ બહાર પાડવામાં આવેલા આ જાહેરનામા અનુસાર, 6 નવેમ્બર, 2026ના રોજ સાંજે 4:00 વાગ્યાથી 10 નવેમ્બર, 2026ના રોજ સાંજે 5:00 વાગ્યા સુધી અમદાવાદ શહેર પોલીસ કમિશનરની હકુમત હેઠળ આવતા સમગ્ર વિસ્તારમાં આ પ્રતિબંધ અમલી રહેશે.

 

આ સમયગાળા દરમિયાન શહેરમાં ડ્રોન (Drone), ક્વાડકોપ્ટર (Quadcopter), પાવર્ડ એરક્રાફ્ટ, માઇક્રો લાઇટ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઇડર, પેરા ગ્લાઇડર, પેરા મોટર, હોટ એર બલૂન તેમજ પેરા જમ્પિંગ સહિતનાં હવાઈ સાધનોના ઉપયોગ અને ઉડાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાહેરનામાનો મુખ્ય હેતુ ગૃહમંત્રીની મુલાકાત દરમિયાન સુરક્ષાની વ્યવસ્થામાં કોઈ અવરોધ ઊભો ન થાય અને હવાઈ સાધનોના અનધિકૃત ઉપયોગને અટકાવવાનો છે.

 

જોકે, આ પ્રતિબંધમાંથી પોલીસ વિભાગ અને સુરક્ષાદળો દ્વારા સત્તાવાર કામગીરી તથા સુરક્ષા વ્યવસ્થા માટે ઉપયોગમાં લેવાતાં સાધનોને મુક્તિ આપવામાં આવી છે. આ સિવાય અન્ય કોઈ વ્યક્તિ કે સંસ્થા દ્વારા પ્રતિબંધિત હવાઈ સાધનોનો ઉપયોગ કરી શકાશે નહીં.

 

પોલીસ કમિશનર દ્વારા નાગરિકોને જાહેરનામાનું પાલન કરવા અને સુરક્ષા વ્યવસ્થામાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 223 હેઠળ કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

 

આમ, કેન્દ્રીય ગૃહમંત્રીની અમદાવાદ મુલાકાતને ધ્યાનમાં રાખીને શહેરમાં સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ તંત્ર દ્વારા અગમચેતીનાં પગલાં લેવામાં આવ્યાં છે.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો