MORBI:મોરબી જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા યોજાઈ

મોરબી સામાન્ય સભામાં કોંગ્રેસના પ્રમુખ બેસી રહ્યા, ભાજપે બહુમતીના જોરે કરોડોના કામો મંજૂર કરાવી ગયા !
મોરબી જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભામાં સ્વભંડોળની ગ્રાન્ટની ફાળવણીને લઈને ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે ઉગ્ર વિવાદ અને ખેંચતાણ જોવા મળી હતી. બેઠકમાં સ્વભંડોળની ૬.૯૭ કરોડ રૂપિયાની ગ્રાન્ટ તમામ ૨૪ સભ્યોને સમાન ભાગે વહેંચવાનો પ્રસ્તાવ બહુમતીના જોરે ફગાવી દેવામાં આવ્યો હતો.
સામાન્ય સભામાં સ્વભંડોળની ૬.૯૭ કરોડની ગ્રાન્ટ ૨૪ સભ્યોને એકસરખા ભાગે વહેંચવાની દરખાસ્ત ભાજપના ૧૭ સભ્યોએ બહુમતીથી નામંજૂર કરાવી હતી. ભાજપના સભ્યોનો આક્ષેપ હતો કે પ્રમુખ માત્ર પોતાના અથવા કોંગ્રેસના સભ્યોના વિસ્તારમાં જ ગ્રાન્ટ વાપરે છે અને અન્ય વિસ્તારોની અવગણના કરે છે. આ કારણોસર ૧.૯૩ કરોડના ૬૧ જેટલા અન્ય સૂચિત કામો પણ નામંજૂર કરવામાં આવ્યા હતા. જોકે, પ્રમુખ દ્વારા સૂચવાયેલા ૪૫ લાખના ૧૬ કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.

બીજી બાજુ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન દ્વારા સૂચવાયેલા સ્વભંડોળના ૫.૯૭ કરોડના ૧૭૩ કામોને ભાજપના સભ્યોએ બહુમતીથી મંજૂર કર્યા હતા. બાકીની ગ્રાન્ટમાંથી ૧ કરોડ રૂપિયા જિલ્લાની ૧૧૫ આંગણવાડીઓ માટે ફાળવવામાં આવ્યા છે, તેમજ ૨૦૨૫-૨૬ના વાર્ષિક હિસાબોના ઠરાવને પણ બહાલી આપવામાં આવી હતી.

પ્રમુખ ગીતાબેન દુબરીયા જણાવ્યું હતું કે ૭ કરોડની ગ્રાન્ટ તમામ સભ્યો વચ્ચે સમાન રીતે ફાળવીને સમગ્ર જિલ્લામાં કામગીરી કરવાની ચર્ચા હતી. તેઓ માત્ર પોતાના વિસ્તારમાં નહીં પરંતુ અલગ-અલગ ગામોમાં રસ્તા અને પાણીના વિકાસ કાર્યો માટે ગ્રાન્ટ વાપરી રહ્યા છે. અગાઉના પ્રમુખ માત્ર પોતાના વિસ્તાર પૂરતા સિમિત હતા જ્યારે વર્તમાન વહીવટ તમામ વિસ્તારોને આવરી લે છે.કોંગ્રેસ સદસ્ય સતીશ મેરજા: વર્ષોથી ગ્રાન્ટ તમામ સભ્યોને સરખા ભાગે વહેંચવાની પરંપરા છે. ભાજપના આ ૧૭ સભ્યોએ પોતાના વિસ્તાર માટે કોઈ કામો જ સૂચવ્યા ન હતા, જેથી પ્રમુખ જાતે ગ્રાન્ટ ફાળવી ન શકે: પ્રમુખ સમગ્ર જિલ્લાના હોવા છતાં પોતાની ગ્રાન્ટ માત્ર પોતાના વિસ્તારમાં જ વાપરી રહ્યા છે અને અન્ય ૧૭ સભ્યોના વિસ્તારમાં એક પણ કામ આપ્યું નથી
મોરબી જિલ્લા પંચાયત કચેરીના બજેટમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો અને વાંચનપ્રેમીઓ માટે અંદાજિત ૪૦ લાખ રૂપિયાની જોગવાઈ કરીને લાઈબ્રેરી સુવિધા ઊભી કરવાના ઠરાવને સર્વાનુમતે મંજૂર કરાયો છે. નવું બિલ્ડિંગ બન્યાને હજુ થોડો જ સમય થયો હોવા છતાં કલર ઉખડી જવા અને અન્ય નુકસાનીના પ્રશ્નો સામે આવતા ટાઇલ્સ લગાવવી, પ્લમ્બિંગ અને કલરકામ જેવા રિનોવેશન કામોને મંજૂરી આપવામાં આવી છે, જેનાથી બાંધકામની ગુણવત્તા સામે સવાલો ઉભા થયા છે.

બાંધકામ શાખા હેઠળના કામોમાં વિલંબ અને ક્ષતિ બદલ ‘પાયોનીયર ઈન્ફ્રાસ્ટ્રક્ચર’ને ૩૦ દિવસની અંતિમ મુદત અપાઈ છે, જ્યારે વાંકાનેર વિસ્તારમાં કામ કરતી ‘ઉમિયા કન્સ્ટ્રક્શન’ને બ્લેકલિસ્ટ કરી ટેન્ડર ડીબાર કરવાનો ઠરાવ પસાર કરાયો છે.નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેસૂલ) મોરબીનું જૂનું સરકારી વાહન ૧૦ વર્ષનું આયુષ્ય પૂરું કરી ચૂક્યું હોય અને વારંવાર રિપેરિંગ ખર્ચ આવતો હોવાથી તેને કંડમ જાહેર કરી નવી કાર ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે.












