જામનગર જિલ્લાના ધ્રોલમાં આવેલા વોડાફોન કંપનીના ટાવરમાંથી રૂપિયા ૩.૭૦ લાખનાં સાધનોની ચોરી

દાવલશાપીરની દરગાહ પાસે આવેલા ટાવરના ઉપકરણો તસ્કરો ઉઠાવી ગયા હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવાઇ
જામનગર
(નયના દવે દ્વારા)
જામનગર તા ૬, જામનગર જિલ્લાના ધ્રોલમાં એચડીએફસી બેંકની પાછળના ભાગે આવેલી દાવલશાપીરની દરગાહ પાસેના વોડાફોન કંપનીના ટાવરમાંથી અંદાજે રૂપિયા ૩.૭૦ લાખની કિંમતનાં વિવિધ ટેકનિકલ ઉપકરણોની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે.
અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા અને ઇશાન નેસ્ટોલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા ગૌરવ રામરૂપ શર્માએ ધ્રોલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમના જણાવ્યા મુજબ તા. ૪ નવેમ્બરના બપોરે સવા એકથી દોઢ વાગ્યા દરમિયાન કોઈ અજાણ્યો તસ્કર ટાવરની નીચે ખુલ્લા મેદાનમાં રાખવામાં આવેલા સાધનો ચોરી ગયો હતો.
ચોરાયેલા મુદ્દામાલમાં એએસજી એમ્પ્લિફાયર સ્વિચ્ડ ગેઇન ઇડીએફએની કિંમત રૂપિયા ૨.૭૦ લાખ, ડીસી પાવર ફિલ્ટરની કિંમત રૂપિયા ૪૬ હજાર તથા ઇક્વિપમેન્ટ કન્ટ્રોલરની કિંમત રૂપિયા ૫૪ હજાર મળી કુલ રૂપિયા ૩.૭૦ લાખનાં સાધનોનો સમાવેશ થાય છે. ધ્રોલ પોલીસે અજાણ્યા તસ્કર સામે ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.









