વઘઇ પોલીસની ટીમે ખેતરમાંથી ઇલેક્ટ્રિક કેબલની ચોરી કેસના બે આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના સાવરખડી ગામે ખેતરમાંથી ઇલેક્ટ્રિક કેબલની ચોરીના બનાવનો ભેદ ઉકેલવામાં વઘઈ પોલીસને સફળતા મળી છે. પોલીસે ચોરીમાં સંડોવાયેલા બે આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ સાવરખડી ગામે રહેતા ફરિયાદી વિપુલભાઈ હિરજીભાઈ ગામીતની ખેતીની જમીન, ખાતા નંબર 120માં સિંચાઈના કામ માટે સબમર્સિબલ મોટર સાથે જોડાયેલ આશરે 300 ફૂટ કેબલ તેમજ અન્ય ચાર સાહેદોના મળી કુલ 1500 ફૂટ જેટલા ઇલેક્ટ્રિક કેબલની અજાણ્યા ઇસમો દ્વારા ચોરી કરવામાં આવી હતી. આ અંગે વઘઈ પોલીસ સ્ટેશનમાં તા. 3 નવેમ્બર, 2026ના રોજ ગુનો નોંધવામાં આવ્યો હતો.

બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડાંગ પોલીસ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ વઘઈ પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ, ઘટનાસ્થળ તથા આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ અને ટેકનિકલ વિશ્લેષણના આધારે ચોરીનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

પકડાયેલા આરોપીઓમાં (1) સમયેલભાઈ જયરામભાઈ ગામીત (ઉં.વ. 41), રહે. સાવરખડી, નિશાળ ફળિયું, તા. વઘઈ, ડાંગ અને (2) સલીમશાહ ગફુરશાહ ફકીર (ઉં.વ. 55), રહે. દાદરી ફળિયું, મેઈન રોડ, વ્યારા, તા. વ્યારા, જિ. તાપીનો સમાવેશ થાય છે.

પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, આરોપીઓ સાંજના અથવા રાત્રિના સમયે જંગલ વિસ્તાર નજીક આવેલા એકાંત ખેતરોને નિશાન બનાવી ઇલેક્ટ્રિક વાયરની ચોરી કરતા હતા. ત્યારબાદ વાયરને સળગાવી તેનું પ્લાસ્ટિક અને રબરનું આવરણ દૂર કરી અંદરથી તાંબુ (કોપર) અલગ કરી ભંગારની દુકાનમાં વેચી આર્થિક લાભ મેળવતા હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે આરોપીઓ પાસેથી ચોરીના વાયરનો 13 કિલો તાંબાનો જથ્થો, જેની કિંમત રૂ. 22,500, એક સ્માર્ટ મોબાઇલ ફોન કિંમત રૂ. 3,000 અને એક મોટરસાઇકલ કિંમત રૂ. 30,000 મળી કુલ રૂ. 55,500નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ કામગીરીમાં વઘઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ.ચાવડા સાહેબ , એ.એસ.આઈ. રાકેશભાઈ, એ.એસ.આઈ. સંતોષભાઈ તથા આ.હે.કો. તુકારામભાઈ  સહિતની ટીમે મહત્વપૂર્ણ કામગીરી કરી હતી.

આમ, ખેતરોમાંથી કેબલ ચોરી કરતા તત્ત્વોને ઝડપી પાડવામાં વઘઈ પોલીસને સફળતા મળતા ખેડૂતોમાં રાહતની લાગણી ફેલાઈ છે.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો