તારીખ ૦૭/૧૧/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
દિવાળીના તહેવારને ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે કાલોલના બજારોમાં ખરીદીનો માહોલ સોળે કળાએ ખીલ્યો છે. છેલ્લી ઘડીની ખરીદી કરવા માટે ગ્રાહકોનું કીડિયારું બજારમાં ઉમટી પડ્યું છે. ત્યારે દિવાળી પહેલાંની રજામાં કાલોલના મેન બજાર, બસ સ્ટેન્ડ રોડ, ભાથીજી મંદિર સામેથી લઈને નવી પોસ્ટ ઓફિસ સુધી લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. બજારમાં એટલી ભીડ છે કે પગ મૂકવાની પણ જગ્યા નથી. જ્યાં કપડાં, સોના-ચાંદી, ફટાકડા, મીઠાઈ અને ઘર સજાવટની નાની-મોટી દુકાનો પર ગ્રાહકોની લાંબી કતારો લાગી છે. વેપારીઓ પણ પોતાનો માલ ખાલી કરવા માટે આકર્ષક ઓફર અને ભારે ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે, જેનો લાભ લેવા લોકો છેલ્લી ઘડીની ખરીદીનો આનંદ માણી રહ્યા છે.બીજી તરફ ભીડને કારણે બસ સ્ટેન્ડ પાસેથી ભાથીજી મંદિર અને નવી પોસ્ટ ઓફિસથી મેન બજાર સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. કોઈ અણબનાવ ન બને તે માટે કાલોલ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી અલગ અલગ પોઈન્ટ પર વોચ રાખવામાં આવી રહી છે.એકંદરે દિવાળીના પર્વને લઈને કાલોલના બજારોમાં અનેરો ઉત્સાહ અને ખરીદીનો થનગનાટ જોવા મળી રહ્યો છે.









