MALIYA માળીયા મિયાણા: રણ વિસ્તારમાં આવેલા મીઠાના કારખાનામાં ગેરકાયદે પ્રવેશી યુવકને જાનથી મારી નાખવાની ધમકી

માળીયા મિયાણાના જાજાસર રણ વિસ્તારમાં આવેલ ફાતિમા સોકતઅલીભાઈ ભટ્ટીના મીઠાના કારખાનામાં જૂની અદાવત રાખીને ગેરકાયદેસર પ્રવેશ કરી, બે ભાઈઓને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. આ મામલે ભોગ બનનારે માળીયા મિયાણા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી

પ્રાપ્ત માહિતી અનુસાર, અગાઉ આશરે સાતેક મહિના પહેલાં ઇકબાલ ઇલીયાસ ભટ્ટી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો (જમીન પચાવી પાડવાનો) ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનાની અદાવત રાખીને આરોપી ઇકબાલ પોતાની ગાડી લઈને ફરિયાદીના મીઠાના કારખાનામાં ગેરકાયદેસર રીતે ઘૂસી આવ્યો હતો.
કારખાનામાં ઘૂસીને આરોપીએ ફરિયાદી અને તેના મોટાભાઈ હાજીભાઈને ગાળો આપી હતી અને ઉશ્કેરાઈને ધમકી આપી હતી કે, “જો લેન્ડ ગ્રેબિંગનો કેસ પાછો નહીં ખેંચે તો ભડાકો કરીને જાનથી પતાવી દઈશ.”
આ ગંભીર ધમકી અને ધાકધમકીના બનાવને પગલે ભોગ બનનાર દ્વારા માળીયા મિયાણા પોલીસ સ્ટેશનમાં આરોપી ઇકબાલ ઇલીયાસ ભટ્ટી વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે, અને પોલીસે આ બાબતે આગળની તપાસ હાથ ધરી છે.














