તારીખ ૦૮/૧૧/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
દિવાળી એટલે અંધકારમાંથી પ્રકાશ તરફ અને નિરાશામાંથી આશા તરફ લઈ જતો પર્વ. આ પાવન પર્વને વધુ વિશેષ બનાવવા પંચમહાલ જજિલ્લા પોલીસની SHE ટીમે માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જેમાં પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાત ના માર્ગદર્શન હેઠળ SHE ટીમ દ્વારા ગોધરા સ્થિત નિરાંત વૃદ્ધાશ્રમની મુલાકાત લેવામાં આવી હતી.
આ પ્રસંગે SHE ટીમના મહિલા પોલીસ કર્મીઓએ વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો સાથે દિવાળીની ખુશીઓ વહેંચી હતી. વડીલોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી, તેમની સાથે આત્મીય સંવાદ સાધી, તેમના સુખ-દુઃખની વાતો સાંભળી હતી. વડીલોને પ્રેમ, હૂંફ અને લાગણીનો અહેસાસ કરાવી તેમના ચહેરા પર સ્મિત લાવવાનો આ નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો હતો.પોલીસની આ માનવીય પહેલથી વૃદ્ધાશ્રમના વડીલોમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી. આ કાર્યક્રમ માત્ર દિવાળીની ઉજવણી નહિ, પરંતુ સામાજિક જવાબદારી, વડીલો પ્રત્યેના આદરભાવ અને માનવીય સંવેદનાનું સુંદર ઉદાહરણ બની રહ્યો.










