MORBI મોરબી મૌલા સાહેબના પધરામણને લઈ દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ
ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS)ના આગમનને લઈ મોરબીમાં ખુશીની લહેર, નાની બજાર-ફકરી પાર્ક સહિતના વિસ્તારોમાં ભવ્ય શણગાર
રીપોર્ટ મોહસીન શેખ દ્વારા મોરબી : મોરબી શહેરમાં દાઉદી વ્હોરા સમાજ માટે આગામી બુધવાર ગુરુવાર અને શુક્રવાર નો દિવસ વિશેષ આધ્યાત્મિક આનંદ અને ઉત્સાહનો અવસર બની રહ્યો છે. દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ મૌલા ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) મોરબી પધારવાના હોવાથી સમગ્ર દાઉદી વ્હોરા સમાજમાં ખુશીની લહેર પ્રસરી છે અને સમાજજનોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.

મૌલા સાહેબના પવિત્ર પધરામણને લઈને સમાજના પરિવારોમાં ઉત્સાહનો માહોલ છે. સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ તેમજ વડીલો દ્વારા મૌલા સાહેબના સ્વાગતને યાદગાર બનાવવા માટે વિવિધ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.
મૌલા સાહેબના આગમનની ખુશી મોરબીની શેરીઓમાં પણ ઝળહળી રહી છે. ખાસ કરીને મોરબીની નાની બજાર અને ફકરી પાર્ક વિસ્તારમાં આવેલા દાઉદી વ્હોરા સમાજના વિસ્તારોમાં શેરી-ગલીઓ, મકાનો અને દુકાનોને આકર્ષક રીતે સજાવવામાં આવી રહ્યા છે. રંગબેરંગી ડેકોરેશન, રોશની અને સુંદર શણગારથી સમગ્ર વિસ્તાર જાણે ઉત્સવના રંગે રંગાયો હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે.મકાનો અને દુકાનો પર કરવામાં આવેલા સુંદર શણગાર થકી સમાજજનો પોતાના મૌલા સાહેબ પ્રત્યેની શ્રદ્ધા અને ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. સાંજના સમયે રોશનીથી ઝળહળતા વિસ્તારોમાં જાણે આસ્થા અને આનંદનો સંગમ જોવા મળી રહ્યો છે.
મૌલા સાહેબના દર્શન અને તેમના પવિત્ર સાનિધ્યનો લાભ મેળવવા માટે સમાજજનોમાં ભારે આતુરતા જોવા મળી રહી છે. નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈ પોતાના મૌલા સાહેબના પધરામણને લઈને ઉત્સાહિત છે. સમાજના વિવિધ વિસ્તારોમાં મૌલા સાહેબના સ્વાગત માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.દાઉદી વ્હોરા સમાજ માટે મૌલા સાહેબનું પધરામણ આસ્થા, શ્રદ્ધા, એકતા અને આધ્યાત્મિક પ્રેરણાનો પાવન અવસર માનવામાં આવી રહ્યું છે. મૌલા સાહેબના આગમનને લઈને સમગ્ર સમાજમાં ભક્તિભાવ સાથે આનંદ અને ઉત્સાહનો માહોલ છવાયો છે.મોરબીની નાની બજારથી લઈને ફકરી પાર્ક સુધીના દાઉદી વ્હોરા સમાજના વિસ્તારોમાં જોવા મળતો ભવ્ય શણગાર અને સમાજજનોનો ઉમંગ મૌલા સાહેબ પ્રત્યેની તેમની શ્રદ્ધા અને લાગણીને ઉજાગર કરી રહ્યો છે.મૌલા સાહેબના પધરામણને આવકારવા મોરબીનો દાઉદી વ્હોરા સમાજ સજ્જ છે… શહેરમાં આસ્થા, આનંદ અને ઉમંગનો માહોલ છવાયો છે.









