તારીખ ૦૮/૦૯/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા ગ્રંથાલય ખાતું, ગુજરાત રાજ્ય, ગાંધીનગર અંતર્ગત પંચમહાલ જિલ્લાના કાલોલ ખાતે સરકારી તાલુકા ગ્રંથાલયની સેવાઓ પ્રજાજનોને લોકાર્પિત કરવાનો ભવ્ય સમારોહ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ઉદ્ઘાટક તરીકે ૧૨૭-વિધાનસભાના ધારાસભ્ય ફતેસિંહ વખતસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ગ્રંથાલયની સેવાઓનું ઉદ્ઘાટન કરી તેને સામાન્ય જનતા માટે ખુલ્લું મુક્યું હતું. જ્યાં આ લોકાર્પણ સમારોહ તારીખ ૦૭-૦૯-૨૦૨૬ ને દિવસે બપોરે ૨:૦૦ કલાકે કાલોલ સ્થિત વિજય ટોકીઝ રોડ, લાલ દરવાજા પાસે આવેલ સરકારી તાલુકા ગ્રંથાલયના પરિસરમાં યોજાયો હતો.આ પ્રસંગે નિમંત્રક તરીકે મદદનીશ ગ્રંથાલય નિયામક (વડોદરા વિભાગ) વિધાબેન ભમાત તેમજ નિયામક ગ્રંથાલય (ગુજરાત રાજ્ય, ગાંધીનગર) તેમજ તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, નગરપાલિકા ઉપપ્રમુખ ગૌરાંગભાઈ દરજી, પક્ષના નેતા હરિકૃષ્ણભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનોએ હાજરી આપી હતી. ગ્રંથાલય શરુ થવાથી આ વિસ્તારના વાચકો, વિદ્યાર્થીઓ અને પ્રજાજનોને અભ્યાસ તથા જ્ઞાનવર્ધન માટે મોટો લાભ મળશે.











