MORBI:મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં NSS અંતર્ગત વ્યસન મુક્તિ અને ‘ટી.બી. મુક્ત ભારત’ અભિયાન વર્કશોપ યોજાયો

મોરબી:સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ, મોરબી ખાતે આજરોજ રાષ્ટ્રીય સેવા યોજના (NSS) અંતર્ગત વ્યસન/ડ્રગ મુક્તિ અને ‘ટી.બી. મુક્ત ભારત અભિયાન’ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લા કલેક્ટર શ્રી સ્વપ્નિલ ખરે અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદ્યાસાગરના માર્ગદર્શન હેઠળ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી પી. કે. શ્રીવાસ્તવ અને જિલ્લા ક્ષય અધિકારી ડૉ. ધનસુખ અજાણાના દિશા-નિર્દેશ મુજબ યોજાયેલા આ વર્કશોપમાં ૭૦થી વધુ NSS સ્વયંસેવકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ક્ષયરોગ (ટી.બી.) અંગે વ્યાપક જાગૃતિ લાવવા તેમજ તેના લક્ષણો, કારણો, બચાવ અને સારવાર પદ્ધતિથી માહિતગાર કરવાનો હતો.

મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત જિલ્લા ક્ષય વિભાગ (DPC)ના શ્રી પિયુષભાઈ જોષીએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, “લાંબા સમયની ઉધરસ, તાવ, રાત્રે પરસેવો વળવો, ભૂખ ન લાગવી અને સતત વજન ઘટવું એ ટી.બી.ના મુખ્ય લક્ષણો હોઈ શકે છે. સમયસર નિદાન અને નિયમિત દવાથી આ રોગ સંપૂર્ણપણે મટી શકે છે.” તેમણે ઉપસ્થિત યુવાઓને ‘ટી.બી. મુક્ત સમાજ’ના નિર્માણમાં આગળ આવવા આહ્વાન કર્યું હતું.

સમગ્ર કાર્યક્રમનું સુચારુ આયોજન NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. અતુલભાઈ ઘુવ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સમગ્ર મંચ સંચાલન ડૉ. કવિતાબા ઝાલાએ સંભાળ્યું હતું. કાર્યક્રમના અંતે તમામ સ્વયંસેવકોએ સમાજમાં ટી.બી. અને વ્યસન સામે જાગૃતિ ફેલાવવાના દ્રઢ સંકલ્પ લીધા હતા.









