વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

સંસ્કારી નગરી નવસારીમાં સુરત લિટરેરી ફાઉન્ડેશન (SLF) દ્વારા દેશની આંતરિક સુરક્ષા, આતંકવાદ સામેની લડાઈ અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા મહત્વપૂર્ણ વિષયો પર વિશેષ સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ અને પદ્મશ્રી શ્રી આર.વી.એસ. મણિજી ઉપસ્થિત રહી યુવાનો તથા નાગરિકો સાથે સંવાદ કરશે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં મહત્વપૂર્ણ જવાબદારી નિભાવનાર શ્રી આર.વી.એસ. મણિજી પોતાના લાંબા પ્રશાસકીય અનુભવ અને રાષ્ટ્રીય સુરક્ષા અંગેની દૃષ્ટિ સાથે ઉપસ્થિતોને માર્ગદર્શન આપશે. આતંકવાદ સામેની લડાઈ, આંતરિક સુરક્ષા સામેના પડકારો તેમજ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા વિવિધ પાસાઓ અંગે તેઓ પોતાના અનુભવો અને વિચારો રજૂ કરશે.
ખાસ કરીને યુવાનોને રાષ્ટ્રીય સુરક્ષા જેવા ગંભીર અને મહત્વપૂર્ણ વિષયને નજીકથી સમજવાની તક મળે તે દિશામાં આ સંવાદ મહત્વપૂર્ણ બની રહેશે. રાષ્ટ્રસેવાના ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન બદલ શ્રી મણિજીને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે.
આ કાર્યક્રમ 12 સપ્ટેમ્બર 2026, શનિવારના રોજ સાંજે 6:00થી 8:00 કલાક દરમિયાન નવસારીમાં મતિયા પાટીદાર સમાજની વાડી, સિવિલ કોર્ટની પાછળ યોજાશે. કાર્યક્રમમાં પ્રવેશ નિઃશુલ્ક રહેશે, જોકે રજીસ્ટ્રેશન ફરજિયાત રાખવામાં આવ્યું છે.
આ મહત્વપૂર્ણ સંવાદમાં નવસારીના યુવાનો, વિદ્યાર્થીઓ અને જાગૃત નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાષ્ટ્રીય સુરક્ષા અંગેના અનુભવી અધિકારીના વિચારો અને અનુભવો સાંભળે તેવો અનુરોધ આયોજકો દ્વારા કરવામાં આવ્યો છે.









