વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ

દક્ષિણ ગુજરાતના આદિવાસી અને અંતરિયાળ વિસ્તારો સહિત સમગ્ર રાજ્યના કાર્યરત પત્રકારોને સામાજિક-આર્થિક સુરક્ષા આપવા માંગ.
માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા QR કોડ આધારિત સત્તાવાર Journalist ID Card આપવા રજૂઆતકર્તા ડો. નિરવ પટેલની માંગણી.
લોકશાહીના ચોથા સ્તંભ તરીકે ઓળખાતા પત્રકારો અને તેમના પરિવારોના વ્યાપક હિત, સુરક્ષા અને સામાજિક કલ્યાણ માટે સમગ્ર ગુજરાત સ્તરે એક સુવ્યવસ્થિત “પત્રકાર કલ્યાણ સુરક્ષા યોજના” અમલમાં મૂકવા માટે મુખ્યમંત્રી કાર્યાલય સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે. સમસ્ત આદિવાસી સમાજના યુથલીડર અને જાણીતા ગોલ્ડ મેડલિસ્ટ જનરલ સર્જન ડો. નિરવ ભુલાભાઈ પટેલે મુખ્યમંત્રીને પત્ર પાઠવીને પત્રકારો માટે હકારાત્મક નીતિગત નિર્ણય લેવા માંગ કરી છે.રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે પત્રકારો રાત્રિના સમયે, પૂર, આગ, હોનારત, ઔદ્યોગિક અકસ્માત અને અન્ય જોખમી પરિસ્થિતિઓમાં જઈને સમાચારનું સંકલન કરે છે. આવા સંજોગોમાં તેમની અને તેમના આશ્રિત પરિવારની આર્થિક અને સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવી એ રાજ્ય સરકારની મહત્વપૂર્ણ જવાબદારી બને છે. તાજેતરમાં વિવિધ સંગઠનો દ્વારા શરૂ કરાયેલી વીમા યોજનાને મોડેલ તરીકે સ્વીકારીને રાજ્ય સરકારે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવવી જોઈએ અને માહિતી તથા પ્રસારણ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર બહાર પાડવો જોઈએ.જેમાં ૧૦ લાખ રૂપિયાનું અકસ્માત વીમા કવચ તેમજ ફરજ દરમિયાન અકસ્માતમાં મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્સામાં વીમા ઉપરાંત સરકાર તરફથી વિશેષ આર્થિક સહાય મળે તેમજ માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા પત્રકારોની સરળ ઓળખ માટે QR કોડ ધરાવતા ડિજિટલ અને ભૌતિક ઓળખકાર્ડ ઈસ્યુ કરવામાં આવે તેમજ વલસાડ, નવસારી, તાપી, ડાંગ, સુરત, નર્મદા અને ભરૂચ જેવા આદિવાસી, જંગલ અને અંતરિયાળ વિસ્તારોમાં જોખમી રિપોર્ટિંગ કરતા પત્રકારોની વિશિષ્ટ પરિસ્થિતિને ધ્યાને લેવામાં આવે તેમજ અકાળે મૃત્યુ કે ગંભીર અકસ્માતના સમયે પત્રકાર પરિવારને તાત્કાલિક રાહત આપવા માટે જિલ્લા કક્ષાએ ‘Journalist Emergency Relief Fund’ અને મોનિટરિંગ માટે ‘Welfare & Safety Cell’ ની સ્થાપના થાય તેમજ વીમા ક્લેમની પ્રક્રિયા સરળ બને તે માટે માહિતી વિભાગ હેઠળ હેલ્પડેસ્ક બને અને જિલ્લા માહિતી અધિકારીને નોડલ ઓફિસર તરીકેની જવાબદારી સોંપવામાં આવે.પત્રના અંતે ડો.નિરવ પટેલે ભારપૂર્વક જણાવ્યું છે કે, “લોકશાહીના ચોથા સ્તંભને સુરક્ષા આપવી એટલે લોકશાહીને વધુ મજબૂત બનાવવી.” આશા છે કે માનનીય મુખ્યમંત્રીશ્રી પત્રકારોના વ્યાપક હિતમાં આ સંવેદનશીલ બાબતને સહાનુભૂતિપૂર્વક ધ્યાને લઈને ટૂંક સમયમાં જ યોગ્ય નીતિગત નિર્ણય જાહેર કરશે








