MORBI:મોરબી: સગીરાનું અપહરણ કરી ૨૦ મહિનાથી નાસતો ફરતો આરોપી અમદાવાદના નારોલથી ઝડપાયો
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી છેલ્લા ૨૦ માસથી નાસતા ફરતા આરોપીને મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) અને સીટી એ ડિવિઝન પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી અમદાવાદના નારોલ ખાતેથી ઝડપી પાડ્યો છે. પોલીસે ભોગબનનાર સગીરાને પણ હેમખેમ મુક્ત કરાવી છે.

– ઘટનાની વિગત ગુનો: મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં બીએનએસ (BNS) કલમ ૧૩૭(૨) અને ૮૭ હેઠળ સગીરાના અપહરણનો ગુનો નોંધાયો હતો.
આરોપી: મગનભાઇ ઉર્ફે ગૌતમ વાઘજીભાઇ ડાંગર (ઉંમર વર્ષ ૩૦, રહે. જસદણ, જિલ્લો રાજકોટ). આરોપી સગીરાનું અપહરણ કરીને છેલ્લા ૨૦ મહિનાથી પોલીસને થાપ આપી નાસતો ફરતો હતો.
આરોપી અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છુપાયો હોવાની ચોક્કસ બાતમી મળતાં મોરબી AHTU ટીમ અને સીટી એ ડિવિઝન પોલીસની ટીમે સંયુક્ત રીતે નારોલ ખાતે દરોડો પાડ્યો હતો. પોલીસે આરોપી મગન ઉર્ફે ગૌતમ ડાંગરને ઝડપી લીધો હતો તેમજ ભોગબનનાર સગીરાને પણ દસ્તયાબ કરી હતી.બંનેને મોરબી લાવી સીટી એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા છે અને પોલીસે આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









