વહીવટમાં પારદર્શિતા અને સંવેદનશીલતાનો અભિગમ : મહેમદપુર ખાતે સેવાસેતુ ૨.૧નું આયોજન
પ્રકાશ આર રાવળ, પાટણ
પાટણ તાલુકાના મહેમદપુર ખાતે આજે તા.૦૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ મહેમદપુર સમાજવાડી ખાતે તાલુકા કક્ષાના ‘સેવાસેતુ ૨.૧’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારશ્રીની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકો સુધી સરળતાથી, પારદર્શક રીતે અને તેમના રહેઠાણની નજીક પહોંચાડવાના ઉદ્દેશથી યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ ગામોના લાભાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
રાજ્ય સરકાર દ્વારા વહીવટમાં *કાર્યક્ષમતા, પારદર્શિતા, સંવેદનશીલતા તથા જવાબદારીપણું (Accountability)*ને વિશેષ મહત્વ આપવામાં આવે છે. નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ મેળવવા માટે કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને જરૂરી સેવાઓ તેમના નજીકના સ્થળે જ ઉપલબ્ધ થાય તેવા ઉમદા હેતુ સાથે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેવાસેતુ ૨.૧ કાર્યક્રમમાં ઇલમપુર, સબોસણ, બોરસણ, સંખારી, મીઠીવાવડી, ખીમીયાણા, ગોલાપુર, ગજા, મહેમદપુર, રાજપુર અને ગદોસણ સહિતના ૧૧ ગામોના ગ્રામજનો અને લાભાર્થીઓને વિવિધ સરકારી સેવાઓ તથા પ્રજાલક્ષી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો.
બોક્સ
સેવાસેતુ અંતર્ગત મળતી વિવિધ સેવાઓ
સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત નાગરિકોને તેમની જરૂરિયાત મુજબ વિવિધ વિભાગોની સેવાઓનો લાભ એક જ સ્થળેથી મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવે છે.
જેમાં મુખ્યત્વે આવકનો દાખલો, જાતિનો દાખલો, નોન-ક્રિમીલેયર પ્રમાણપત્ર, ડોમિસાઇલ પ્રમાણપત્ર, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, રેશનકાર્ડ સંબંધિત સેવાઓ, વિવિધ સામાજિક સુરક્ષા યોજનાઓ માટેની સેવાઓ, વિધવા સહાય તથા નિરાધાર સહાય સંબંધિત સેવાઓ, દિવ્યાંગ સહાય અને પ્રમાણપત્ર સંબંધિત સેવાઓ, વૃદ્ધ સહાય/પેન્શન સંબંધિત સેવાઓ, આવાસ અને કલ્યાણલક્ષી યોજનાઓ અંગેની સેવાઓ, ખેતી તથા ખેડૂતલક્ષી યોજનાઓ અંગેની સેવાઓ, આરોગ્યલક્ષી યોજનાઓ અને સેવાઓ, વીજળી તથા અન્ય નાગરિકલક્ષી સેવાઓ, વિવિધ સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન તથા અરજીની પ્રક્રિયા સહિતની વિવિધ સેવાઓ અંગે જરૂરી માર્ગદર્શન અને લાભ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન સંબંધિત વિભાગોના અધિકારી-કર્મચારીઓ દ્વારા લાભાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપી તેમની અરજીઓ અને જરૂરી પ્રક્રિયાઓ સ્થળ પર જ હાથ ધરવામાં આવી હતી. જેના પરિણામે ગ્રામજનોને વિવિધ સરકારી સેવાઓ મેળવવા માટે તાલુકા મથકે વારંવાર ધક્કા ખાવાની જરૂરિયાત ન રહે તેવો હેતુ સાકાર થયો હતો.
સેવાસેતુ કાર્યક્રમના કારણે સરકારી તંત્ર અને ગ્રામજનો વચ્ચેનો સીધો સંપર્ક વધુ સુદૃઢ બન્યો છે. સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પોતાના ગામ અને ઘરઆંગણે નજીકથી મળતા લાભાર્થીઓએ આનંદ વ્યક્ત કરી રાજ્ય સરકાર તથા જિલ્લા વહીવટીતંત્રનો આભાર માન્યો હતો.
ઉલ્લેખનીય છે કે, માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તા.૦૯ અને તા.૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ મહેમદપુર ગામની મુલાકાતે પધારનાર છે. તેમની મુલાકાત પૂર્વે યોજાયેલા આ સેવાસેતુ કાર્યક્રમ થકી મહેમદપુર સહિત આસપાસના ગામોના નાગરિકોને સરકારની વિવિધ સેવાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે.










