રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૨.૯.૨૦૨૬
હાલોલ શહેર સહિત સમગ્ર પંથકમાં લાંબા વિરામ બાદ આજે શનિવારે બપોર બાદ ધમાકેદાર વરસાદ વરસ્યો હતો.ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસેલા વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો.લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં વરસાદ વરસતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વરસાદને કારણે ખેતીના પાકને ફાયદો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ, ભારે ગરમીથી ત્રસ્ત લોકોને પણ વરસાદ વરસતા રાહત મળી હતી.જોકે, વરસાદના કારણે વિવિધ ગણેશ મંડળોના સંચાલકોને પંડાલ બાંધવાની કામગીરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ભારે પવન અને વરસાદને કારણે પંડાલની કામગીરીમાં વિક્ષેપ સર્જાયો હતો જ્યારે પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.એકંદરે, હાલોલ શહેર સહિત સમગ્ર પંથકમાં લાંબા સમય બાદ વરસેલા ધમાકેદાર વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, જ્યારે સામાન્ય જનતાએ પણ ગરમીમાંથી રાહતનો અનુભવ કર્યો હતો.











