અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી – આયોજન અધિકારી શશાંક પંડ્યા સામે કરાર આધારિત કર્મચારીના ગંભીર આક્ષેપો, 10થી 15 ટકા કમિશન લેતા હોવાનાઆક્ષેપો
અરવલ્લી જિલ્લામાં આયોજન કચેરી વિવાદે પકડ્યું જોર
અરવલ્લી જિલ્લામાં જિલ્લા આયોજન કચેરીનો વિવાદ હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જિલ્લા સેવાસદન ખાતે આવેલી આયોજન કચેરીમાં કરાર આધારિત ફરજ બજાવતા કર્મચારી રમેશચંદ્ર રોતે જિલ્લા આયોજન અધિકારી શશાંક પંડ્યા સામે માનસિક ત્રાસ આપતા હોવા સહિત વિકાસલક્ષી કામોની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર થતો હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. આક્ષેપો કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સરકારી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.

રમેશચંદ્ર રોતે વાયરલ વીડિયોમાં આક્ષેપ કર્યો છે કે ફરજ દરમિયાન તેમને માનસિક ત્રાસ આપવામાં આવે છે તેમજ વિકાસનાં કામોની ફાઈલો પર સહી કરવામાં આવતી નથી. વધુમાં ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન (DMF) હેઠળનાં જૂનાં કામોમાં ગેરરીતિ આચરવામાં આવતી હોવા સાથે 10થી 15 ટકા કમિશન લીધા બાદ ફાઈલો આગળ વધારવામાં આવતી હોવાનો પણ સનસનાટીભર્યો આક્ષેપ કર્યો છે.
અરવલ્લી જિલ્લામાં વિકાસનાં કામોની ગુણવત્તા અને ગ્રાન્ટના વપરાશને લઈને અગાઉ પણ અનેકવાર સવાલો ઊઠતા રહ્યા છે. સરકાર દ્વારા જિલ્લાના વિકાસ માટે દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. તેમ છતાં કેટલાક વિકાસનાં કામોમાં હલકી ગુણવત્તા અને નબળી કામગીરીની ફરિયાદો સામે આવતી રહી છે. ત્યારે હવે આયોજન કચેરીના જ કર્મચારી દ્વારા પોતાના ઉપરી અધિકારી સામે કરવામાં આવેલા આક્ષેપોએ સમગ્ર મામલાને વધુ ચર્ચાસ્પદ બનાવ્યો છે.
બીજી તરફ, ઉપરી અધિકારી સામે આટલા ગંભીર આક્ષેપો કરતો વીડિયો વાયરલ કરનાર કરાર આધારિત કર્મચારીને ઉચ્ચ અધિકારીઓનું પીઠબળ હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. આ કર્મચારી કોઈ ઉચ્ચ અધિકારીના સમર્થનથી આગળ આવ્યો છે કે પછી વહીવટી તંત્રમાં આંતરિક ખેંચતાણ અને અહમની લડાઈમાં તેને પ્યાદું બનાવવામાં આવ્યો છે, તેવા સવાલો પણ સેવાસદન પરિસરમાં ચર્ચાઈ રહ્યા છે.સમગ્ર મામલે હવે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આક્ષેપોની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને વિકાસલક્ષી ગ્રાન્ટના ઉપયોગ તથા DMF હેઠળ થયેલાં કામોની પારદર્શક ચકાસણી કરવામાં આવે તેવી માંગ ઊઠી રહી છે.







