નવસારીમાં રાત્રિના ડીજે-ફટાકડાના ઘોંઘાટ સામે તંત્રને પડકાર: કલેક્ટર-પોલીસ વડાને અરજી

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

નવસારી જિલ્લામાં એક પ્રબુદ્ધ નાગરિકે ૧૧૨ પર ફરિયાદ કરવા છતાં કાર્યવાહી ન થયાનો આક્ષેપ; રાત્રે ૧૧:૩૦થી ૧૨:૩૦ સુધી ૧૦૦ ડેસિબલથી વધુ અવાજે ડીજે-ફટાકડા ફોડાયાનો દાવો કરવામાં આવ્યો

પ્રાપ્ત વિગતો અનુસાર રાત્રિના સમયે થતા ધ્વનિ પ્રદૂષણ અને ફટાકડાના કારણે સર્જાતા વાયુ પ્રદૂષણ સામે નવસારીમાં હવે તંત્રની કામગીરી ઉપર જ ગંભીર સવાલો ઉઠ્યા છે. નવસારીના કનુભાઈ સુખડિયાએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને લેખિત અરજી પાઠવી, રાત્રે ૧૦ વાગ્યા બાદ કથિત રીતે ચાલુ રહેતા ડીજે તથા ફટાકડા સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. અરજદારે પોતાની રજૂઆતમાં સર્વોચ્ચ અદાલતના ધ્વનિ પ્રદૂષણ સંબંધિત આદેશો, Noise Pollution (Regulation and Control) Rules તથા પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ-૧૯૮૬નો ઉલ્લેખ કરી રાત્રિના સમયે થતા ધ્વનિ અને વાયુ પ્રદૂષણને તાત્કાલિક અટકાવવા તંત્રને અપીલ કરી છે. કનુભાઈ સુખડિયાના આક્ષેપ મુજબ છેલ્લા આશરે ૧૫ દિવસથી જિલ્લાના નાગરિકો ધ્વનિ અને વાયુ પ્રદૂષણથી ત્રસ્ત છે. રાત્રિના સમયે ડીજેના ઊંચા અવાજ તથા ફટાકડાના કારણે શાંતિ ભંગ થતી હોવાની સાથે આરોગ્ય ઉપર પણ વિપરીત અસર થતી હોવાનો તેમણે દાવો કર્યો છે.

અરજદારે જણાવ્યું છે કે પોલીસ કંટ્રોલ રૂમમાં ફરિયાદ કરતાં તેમને ૧૧૨ નંબર પર ફરિયાદ કરવા જણાવવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ જવાબદાર અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવા છતાં ફોન રિસીવ ન થયો હોવાનો આક્ષેપ છે.

અરજદારના જણાવ્યા મુજબ ૧૧૨ તથા પોલીસ કંટ્રોલ રૂમમાં અગાઉ પણ અનેક ફરિયાદો કરવામાં આવી છે અને ફરિયાદોના પુરાવા પોતાની પાસે ઉપલબ્ધ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.અરજીમાં જણાવ્યા મુજબ પોલીસ તરફથી અપેક્ષિત કાર્યવાહી ન થતાં અરજદારે મોડી રાત્રે નવસારી પ્રાંત અધિકારીનો સંપર્ક કરવાની ફરજ પડી હતી. તેમના હસ્તક્ષેપ બાદ થોડા સમય માટે રાહત મળી હોવાનું જણાવાયું છે. પરંતુ ત્યારબાદ ફરી ગઈકાલે રાત્રે અર્ધી રાત સુધી ડીજે અને ફટાકડાનો અવાજ ચાલુ રહ્યો હોવાનો અરજદારે આક્ષેપ કર્યો છે. અનેક જવાબદાર અધિકારીઓનો ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હોવા છતાં ફોન રિસીવ ન થયો હોવાનો પણ ગંભીર દાવો કરવામાં આવ્યો છે.અરજીમાં સૌથી ગંભીર આક્ષેપ એ કરવામાં આવ્યો છે કે સંબંધિત સ્થળે રાત્રે આશરે ૧૧:૩૦ વાગ્યા બાદથી ૧૨:૩૦ વાગ્યા સુધી ઊંચા અવાજે ડીજે વગાડવામાં આવ્યો તથા ફટાકડા ફોડવામાં આવ્યા હતા.

અરજદારે આ અવાજ ૧૦૦ ડેસિબલથી વધુ હોવાનો દાવો કરતાં સમગ્ર ઘટનાની તટસ્થ અને વૈજ્ઞાનિક તપાસ કરવાની માંગ કરી છે. સાથે જ કાયદાનો ભંગ સાબિત થાય તો જવાબદાર વ્યક્તિઓ સામે FIR નોંધી કડક કાર્યવાહી કરવાની માગણી કરી અરજદારના જણાવ્યા પ્રમાણે જાહેર માર્ગો ઉપર ફટાકડા ફોડવાના કારણે રસ્તાઓ પર કચરાના ઢગલા સર્જાઈ રહ્યા છે. ફટાકડાના ધુમાડાથી વાયુ પ્રદૂષણ અને ભારે અવાજથી ધ્વનિ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે.

સાથે જ જાહેર રસ્તાઓ પર વાહનોનો જમાવડો થઈ જતાં ટ્રાફિક અવ્યવસ્થા, અસલામતી અને સામાન્ય નાગરિકોને હાલાકીભોગવવી પડતી હોવાનો આક્ષેપ પણ અરજીમાં કરવામાં આવ્યો. કનુભાઈ સુખડિયાએ જિલ્લા તંત્ર સમક્ષ રજૂઆત કરતાં જણાવ્યું છે કે નાગરિકોને સેવા, સુરક્ષા અને સલામતી પૂરી પાડવાની જવાબદારી તંત્રની છે. વારંવાર ફરિયાદો થવા છતાં જો રાત્રિના સમયે નિયમોનો ભંગ થતો રહે તો તે બાબતે જવાબદારી નક્કી થવી જોઈએ તેવી માંગ તેમણે કરી છે. અરજદારે સમગ્ર મામલે ૧૧૨ કોલની વિગતો, પોલીસ કંટ્રોલ રૂમમાં થયેલી ફરિયાદો તથા અન્ય ઉપલબ્ધ પુરાવાઓની તપાસ, ઘટનાસ્થળની તટસ્થ તપાસ અને ધ્વનિનું વૈજ્ઞાનિક માપન કરવાની માંગ કરી છે. હવે નવસારી જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા આ રજૂઆતને કેટલી ગંભીરતાથી લે છે અને રાત્રિના ધ્વનિ-વાયુ પ્રદૂષણ સામે કાયદાની જોગવાઈ મુજબ ખરેખર કડક કાર્યવાહી થાય છે કે માત્ર ફરિયાદો કાગળ પર જ રહે છે, તેના પર સૌની નજર છે.

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો