નવસારી ઉનાઈ માતાજી મંદિરથી પ્રસ્થાન કરાયેલી બાઈક યાત્રા ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ચાસવડ ખાતે સ્વાગત કરાયું…

બ્રિજેશ પટેલ, ભરૂચ

પત્રકાર પ્રતિનિધિ

 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા કાર્યકાળ નિમિત્તે ‘સેવા સંકલ્પ અભિયાન’ના ભાગરૂપે કૃષિમંત્રી અને આદિજાતિ વિકાસ મંત્રી દ્વારા નવસારી જિલ્લાના ઉનાઈ માતાજી મંદિર ખાતેથી પ્રસ્થાન કરાવાયેલી બાઈક યાત્રા આજરોજ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ચાસવડ ખાતે પહોંચતાં તેનું ભવ્ય અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

 

આ પ્રસંગે, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, ધારાસભ્ય રીતેશ વસાવા, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, જિલ્લા અગ્રણી સહિતના આગેવાનોએ કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, રાજ્ય મંત્રી જયરામ ગામીત અને ધારાસભ્ય ગણપતભાઈ વસાવાનું કંકુતિલક કરી સ્વાગત કર્યું હતુ.

 

ત્યારબાદ આદિવાસી મોરચાના પ્રદેશ અધ્યક્ષ તથા પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાએ નાગરિકોને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે, આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સતત પ્રગતિ કરી રહ્યું છે. દેશમાં ૮૦ કરોડ લોકોને અનાજ, કરોડો લોકોને પોતાના ઘરો અને ૧૦ લાખ રૂપિયા સુધીનું ફ્રી ઇલાજ કવચ મળી રહ્યું છે. એક સમયે જે ભારતને ‘ગરીબ દેશ’ કહેવામાં આવતો હતો, આજે ૭.૭% ના જીડીપી ગ્રોથ સાથે રશિયા, જાપાન અને ચીન જેવા દેશોને પાછળ છોડીને વિશ્વની ચોથા નંબરની આર્થિક શક્તિ બનવા જઈ રહ્યો છે.

 

પહેલાં આપણી સુરક્ષા માટે ૭૦% શસ્ત્રો વિદેશથી મંગાવવા પડતા, પણ આજે ‘આત્મનિર્ભર ભારત’ હેઠળ આપણે ૧૧૦ થી વધુ દેશોમાં હથિયારોની નિકાસ કરી રહ્યા છીએ. ૫૫૦ વર્ષ જૂનું સ્વપ્ન અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનીને પૂરું થયું, અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવીને ગરીબ તથા એસ.સી./એસ.ટી. સમાજને સરપંચથી લઈને વિધાનસભા સુધી અનામતનો અધિકાર અપાવ્યો છે.

‘આયુષ્માન ભારત’ યોજના થકી સરકારે દેશ અને રાજ્યના લાખો ગરીબ તેમજ જરૂરિયાતમંદ પરિવારજનોની સ્વાસ્થ્ય સેવાઓ ઘર આંગણે પહોચાડી છે. આજે આયુષ્માન કાર્ડના કવચને કારણે ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ નિશ્ચિંત બનીને ઉત્તમ અને મફત સારવાર મેળવી રહ્યો છે.

 

વધુમાં, શિક્ષણ, આરોગ્ય અને પોષણક્ષમ યોજનાઓએ ગ્રામીણ અને આદિવાસી વિસ્તારના નાગરિકોના જીવનમાં વ્યાપક અને સકારાત્મક બદલાવ લાવવાનું કામ કર્યું છે. આપણે સૌ સાથે મળીને કુપોષણમુક્ત અને સશક્ત સમાજના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થઈએ અને સેવાની આ જ્યોતને વધુ પ્રજ્વલિત રાખીએ એમ તેમણે જણાવ્યું હતું.

આવો, આપણે સૌ સાથે મળીને સેવાકીય સંકલ્પો સાથે દેશના વિકાસમાં ભાગીદાર બનીએ!

આ તકે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ,સાંસ્કૃતિક વિભાગના રાજ્યમંત્રી જયરામભાઈ ગામીત, ધારાસભ્ય ગણપતભાઈ વસાવા, સાસંદ મનસુખ વસાવા, ધારાસભ્ય રીતેશ વસાવા સહિત ઉપસ્થિત મહાનુભાવોએ કલશમાં જળ અર્પણ કરી વૃક્ષારોપણની ઝુંબેશને આગળ ધપાવી હતી.

ત્યારબાદ યાત્રા નેત્રંગ ખાતે પહોંચતાં મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકો અને સંગઠનના કાર્યકરો દ્વારા બાઈક યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાં મહાનુભાવોએ ભગવાન બિરસા મુંડાને પુષ્પાંજલિ અર્પણ કરી સેવા સંકલ્પ કળશમાં પવિત્ર નીર અર્પણ કર્યું હતું.

નોંધનીય છે કે, નવસારીથી પ્રારંભાયેલી આ બાઈક યાત્રા ભરુચ જિલ્લામાં જે-જે સ્થળેથી પસાર થઈ ત્યાં ફ્રી મેડિકલ કેમ્પ, ‘એક પેડ મા કે નામ’ વૃક્ષારોપણ, વિકાસરથ દ્વારા સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી તથા વિશિષ્ટ ફિલ્મ નિદર્શન દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવા કાર્યો અને જનકલ્યાણલક્ષી કામગીરીને જનજન સુધી પહોંચાડવામાં આવી હતી.

 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર રાજ્યમાં તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૧૭ ઓક્ટોબર દરમિયાન ‘સેવા સંકલ્પ અભિયાન’ યોજાઈ રહ્યું છે. ઉપરાંત, ઉનાઈ માતાજી મંદિરથી પ્રારંભ થયેલી આ બાઈક યાત્રા તાપી, સુરત, નર્મદા, વડોદરા અને અમદાવાદ સહિતના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ આગામી તા. ૧૬મીના રોજ વડનગર ખાતે સમાપન પામશે.

 

ભરૂચ જિલ્લામાં યાત્રાનો અંતિમ તબક્કે મોવી ગામ ખાતે રહ્યો હતો. અહીં પણ ઉપસ્થિત મહાનુભાવોએ કલશમાં જળ અર્પણ કરી વૃક્ષારોપણ કર્યું હતું. ત્યારબાદ બાઈક યાત્રા નિર્ધારિત કાર્યક્રમ મુજબ નર્મદા તરફ આગળ વધી હતી.

 

આ તકે ભરૂચ જિલ્લા પ્રમુખ ડિમ્પલબેન રાજ, ભરુચ જિલ્લા અગ્રણી પ્રકાશ મોદી, જિલ્લા સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, નાગરિકો, અગ્રણીઓ, મોટી સંખ્યામાં કાર્યકરો ઉત્સાહભેર જોડાયા હતા.

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો