તા.15/09/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


પાળિયાદ વિસામણ બાપુની જગ્યાના નિર્મળાબા તેમજ પૂજનીય સંતો દ્વારા મંદિરમાં શિવપૂજન બાદ ધ્વજારોહણ કરાયું, સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં યોજાયેલા તરણેતરના મેળામાં આજે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધજા ચડાવવામાં આવી હતી. તરણેતર ખાતે સંતો- મહંતો દ્વારા સૌ પ્રથમ ધજાજીનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તરણેતરની પરંપરા મુજબ વાજતે-ગાજતે શોભાયાત્રા સાથે નીકળી હતી. આ પ્રસંગે પૂજ્ય વિસામણ બાપુની જગ્યાના મહંત શ્રી નિર્મળાબાએ જણાવ્યું હતું કે, ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે ધ્વજા ચડાવી ખૂબ આનંદની લાગણી થાય છે. અહીં ધ્વજા ચડાવવાની પરંપરા વર્ષોથી ચાલતી આવે છે. તમામ નાગરિકો ઉપર ત્રિનેત્રેશ્વર મહાદેવની કૃપા યથાવત રહે તેવી પ્રાર્થના તેમણે કરી હતી. આ તકે મેળા કમિટીના સભ્ય રામકુભાઈ ખાચરે જણાવ્યું હતું કે, ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો આ તરણેતરનો મેળો પ્રાચીન, સામાજિક અને સાંસ્કૃતિક મેળો છે. અહીં ભજન અને ભકિતનો સંગમ જોવા મળે છે. જિલ્લા વહીવટી તંત્ર અને તરણેતર ગ્રામ પંચાયત દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. શોભાયાત્રા મંદિર ખાતે પહોંચ્યા બાદ મુખ્ય પૂજારીશ્રીએ પૂજાવિધિ કરાવી હતી. ત્યારબાદ ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.









