તા.15/09/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


સાતોડી, કબડ્ડીથી લઈ લાડવા સ્પર્ધા સુધી: રાજ્યના ખૂણે-ખૂણેથી ઉમટેલા ખેલાડીઓ વચ્ચે જામ્યો ખરાખરીનો જંગ

સુરેન્દ્રનગરના વિશ્વપ્રસિદ્ધ તરણેતરના મેળા દરમિયાન ‘સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત’ દ્વારા ‘ગ્રામીણ ઓલિમ્પિક’નું આયોજન કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લા રમત વિકાસ અધિકારી પાર્થ ચૌહાણના જણાવ્યા અનુસાર, મેળાના પ્રથમ દિવસે વરસાદનું વિઘ્ન હોવા છતાં ખેલાડીઓનો ઉત્સાહ અકબંધ રહ્યો હતો અને ગોળાફેંકની સ્પર્ધા સફળતાપૂર્વક યોજાઈ હતી, જેમાં ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મેળાના બીજા દિવસે વાતાવરણને અનુલક્ષીને સાતોડી, કબડ્ડી, વોલીબોલ તેમજ લોકપ્રિય ‘લાડવા ખાવાની હરીફાઈ’ જેવી રમતોનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે વડોદરા, સાણંદ, જૂનાગઢ અને સુરત સહિત રાજ્યના ખૂણે-ખૂણેથી મોટી સંખ્યામાં ખેલાડીઓ તરણેતર ખાતે પહોંચ્યા હતા. મેળાના ત્રીજા દિવસે (૧૬મી તારીખે) કુસ્તી અને રસ્સાખેંચ જેવી દેશી અને રોમાંચક રમતોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પણ બહોળા પ્રમાણમાં ખેલાડીઓ ભાગ લેશે. ગ્રામીણ ઓલિમ્પિકમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તરફથી પ્રોત્સાહિત કરવા માટે ટી-શર્ટ અને કેપ આપવામાં આવે છે. આ ઉપરાંત વિજેતા બનતા ખેલાડીઓને સ્થળ પર જ તુરંત રોકડ પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા ‘ખેલ મહાકુંભ’ થી લઈને ‘ગ્રામીણ ઓલિમ્પિક’ જેવા નવતર આયોજનો થકી રાજ્યના યુવાનોમાં રમત-ગમત પ્રત્યે ઉત્સાહ અને પ્રોત્સાહન પૂરું પાડવાનું સરાહનીય કાર્ય થઈ રહ્યું છે. આપણી પ્રાચીન સાંસ્કૃતિક વિરાસત અને પરંપરાગત દેશી રમતો લુપ્ત ન થાય તે માટે રાજ્ય સરકાર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સતત પ્રયત્નશીલ છે. ગ્રામીણ સ્તરેથી જ છુપાયેલી પ્રતિભાઓની ઓળખ કરી તેમને યોગ્ય પ્લેટફોર્મ, ઉત્કૃષ્ટ સુવિધાઓ અને આર્થિક સહાય પૂરી પાડી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવા માટે સરકારની આ કટિબદ્ધતા રમતગમત ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી રહી છે.









