ડિજિટલ યુગનું અદ્રશ્ય વિષચક્ર.- લેખક અમીત ત્રિવેદી

સંચાર ક્રાંતિના આ યુગમાં સ્માર્ટફોન અને ઇન્ટરનેટના આગમન બાદ માનવજીવન જેટલું ઝડપી અને સુવિધાયુક્ત બન્યું છે, તેનાથી ક્યાંય વધુ આપણી સામાજિક અને પારિવારિક સંવેદનાઓને ઘેરો અઘાત પહોંચ્યો છે. જે ટેકનોલોજીનો મુખ્ય હેતુ દૂરના લોકોને નજીક લાવવાનો હતો, તે ટેકનોલોજી આજે આસપાસના અને લોહીના સંબંધ ધરાવતા લોકોને જોજન દૂર કરવાનું માધ્યમ બની ગઈ છે.
પરિવાર વચ્ચે વર્ચ્યુઅલ દીવાલ અને ‘ફબિંગ’
આજે દરેક ઘરમાં “સાથે હોવા છતાં અલગ” રહેવાની સ્થિતિ સર્જાઈ છે. એક જ ડાઇનિંગ ટેબલ પર બેઠેલો પરિવાર સામસામે વાત કરવાને બદલે પોતપોતાના સ્ક્રીનમાં ખોવાયેલો રહે છે. માતા-પિતા, બાળકો અને વૃદ્ધો વચ્ચેનો જીવંત અને લાગણીસભર સંવાદ હવે માત્ર ‘લાઈક્સ’ અને ‘કમેન્ટ્સ’ સુધી સીમિત થઈ ગયો છે.
જે ઉંમરે અભ્યાસ, કારકિર્દી અને ભવિષ્યનું નિર્માણ કરવાનું હોય છે, તે ઉંમરે યુવાનો સોશિયલ મીડિયા, રીલ્સ અને ઓનલાઈન ગેમિંગની આભાસી દુનિયામાં કિંમતી સમય હોમી રહ્યા છે. રાતોરાત વાયરલ થવાની ઘેલછામાં એકાગ્રતા ગુમાવવી, અભ્યાસમાં નિષ્ફળ જવું અને માનસિક તણાવનો ભોગ બનવું એ આજના યુવાનોની કડવી વાસ્તવિકતા છે.

વર્ચ્યુઅલ અનૈતિક સંબંધો અને વિખેરાતા પરિવાર
સિક્રેટ ચેટિંગ એપ્સ અને સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથેની ડિજિટલ નિકટતાના કારણે વર્ચ્યુઅલ લગ્નેતર સંબંધોનું પ્રમાણ ભયજનક રીતે વધ્યું છે. ક્ષણિક આકર્ષણના કારણે વર્ષો જૂના સુખી દામ્પત્ય જીવનમાં શંકાનું ઝેર ઘોળાય છે. ફેમિલી કોર્ટમાં નોંધાતા વિવાહ વિછેદ (છૂટાછેડા)ના કેસોમાંથી મોટાભાગના કિસ્સામાં ડિજિટલ ક્ષણિક આકર્ષણ અને શંકાસ્પદ ચેટિંગ મુખ્ય કારણ બનીને ઊભરી આવ્યા છે.
ઓનલાઈન ઠગાઈ, જુગાર અને માનસિક રોગ
ગેમિંગ એપના નામે ચાલતી સટ્ટાબાજી, ‘ડિજિટલ અરેસ્ટ’ અને સાયબર ફ્રોડના કારણે અનેક મધ્યમવર્ગીય પરિવારો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર અન્યોના ભવ્ય જીવન સાથે સતત સરખામણી કરવાથી યુવાવર્ગમાં ડિપ્રેશન, એકલવાયાપણું અને હીનભાવના વધી રહી છે.
ટેકનોલોજી પોતે ખરાબ નથી, તેનો ઉપયોગ કરનારની મનોવૃત્તિ મહત્વની છે. આ જ સોશિયલ મીડિયાના માધ્યમથી ૨૫-૩૦ વર્ષ પહેલાં છૂટા પડેલા શાળા-કોલેજના મિત્રોનું પુનઃમિલન શક્ય બન્યું છે. ગંભીર બીમારીથી પીડાતા ગરીબ બાળકો માટે લાખો રૂપિયાનું ક્રાઉડફંડિંગ એકત્ર કરવું કે ઈમરજન્સીમાં રક્તદાતાઓ શોધવામાં આ માધ્યમ જીવતદાન સમાન સાબિત થયું છે.
સમયસર ચેતવણી અને લાલબત્તી
મોબાઈલ આપણી સુવિધા માટેનું એક સાધન છે, આપણો માલિક નથી. જો આજે આપણે ઘરોમાં ‘સ્ક્રીન-ફ્રી સમય’ નક્કી નહીં કરીએ અને બાળકોને આ આભાસી દુનિયામાંથી બહાર નહીં કાઢીએ, તો આવનારી પેઢી સંવેદનાહીન અને સંબંધવિહોણી બની જશે. આભાસી સ્ક્રીનની બહાર પણ એક સુંદર અને વાસ્તવિક દુનિયા છે, તેને સમય આપવો એ જ આજના યુગની સૌથી મોટી જરૂરિયાત છે.









