- વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીને લઈને ભાજપ દ્વારા દેશભરમાં વિવિધ સેવાકીય અને જનસંપર્ક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે વાવ-થરાદ જિલ્લામાં પણ PM મોદીના જન્મદિવસને માત્ર ઉજવણી પૂરતો સીમિત ન રાખી સેવા, સંવાદ અને જનસંપર્કના સંકલ્પ સાથે ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ અંતર્ગત સાબરકાંઠાથી વારાણસી તરફ નીકળેલી વિશાળ બાઈક રેલી આજે વાવ-થરાદ જિલ્લાના જિલ્લા મથક થરાદ ખાતે પહોંચી હતી. થરાદ ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા બાઈક રેલીનું ઉત્સાહભેર અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
બાઈક રેલી સાથે હવે ગામડે-ગામડે ભાજપનો જનસંપર્ક
17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી ચાલનારા વિશેષ અભિયાન દરમિયાન ભાજપના કાર્યકરો ગામડે-ગામડે પહોંચી લોકો સાથે સીધો સંવાદ કરશે. લોકોની સમસ્યાઓ સાંભળવા ઉપરાંત સરકારી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિક સુધી પહોંચ્યો છે કે નહીં તેની પણ માહિતી મેળવવામાં આવશે.
ગામોમાં સ્વચ્છતા, પાયાની સુવિધાઓ, સરકારી યોજનાઓનો લાભ અને સ્થાનિક પ્રશ્નો અંગે લોકો પાસેથી માહિતી મેળવી સમસ્યાઓના ઉકેલ માટે પ્રયાસ કરવામાં આવશે.
‘સરકારની યોજના તમારા સુધી પહોંચી કે નહીં?’—ગામડાંમાં સીધો સંવાદ
અભિયાનનો મુખ્ય હેતુ માત્ર કાર્યક્રમો યોજવાનો નહીં પરંતુ નાનામાં નાના નાગરિક સુધી પહોંચવાનો હોવાનું ભાજપ દ્વારા જણાવાયું છે. સરકારની સુવિધાઓનો લાભ લોકોને કેટલી હદે મળ્યો છે, ક્યાં સમસ્યા છે અને હજુ ક્યાં સુધારાની જરૂરિયાત છે તે અંગે લોકો સાથે ચર્ચા કરવામાં આવશે.
સાબરકાંઠાથી વારાણસી તરફ નીકળેલી બાઈક રેલીના માધ્યમથી પણ શહેરી વિસ્તારો સાથે છેવાડાના ગામડાં સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. PM મોદીના જન્મદિવસને ‘સેવા સંકલ્પ’ સાથે ઉજવી ‘વિકસિત ભારત’ના સંકલ્પને જનભાગીદારીથી વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે.









