અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
સ્વચ્છતા હી સેવા અંતર્ગત આઈ.ટી.આઈ. મોડાસા ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનને જનભાગીદારી સાથે આગળ ધપાવવાના હેતુસર આઈ.ટી.આઈ. મોડાસા ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. સ્વચ્છતા અંગે જનજાગૃતિ કેળવવા તેમજ સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ પર્યાવરણના નિર્માણ માટે નાગરિકોમાં જવાબદારીની ભાવના કેળવવાના ઉદ્દેશ સાથે આ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મોડાસા નગરપાલિકાના પ્રમુખ જયશ્રીબેન પટેલ ઉપસ્થિત રહી સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થયા હતા. તેમની પ્રેરક ઉપસ્થિતિથી આઈ.ટી.આઈ.ના કર્મચારીઓ તથા તાલીમાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આચાર્ય એસ.કે. ઠક્કર તથા બી.એમ. પટેલના માર્ગદર્શન હેઠળ સંસ્થાના કર્મચારીઓ અને તાલીમાર્થીઓ દ્વારા આઈ.ટી.આઈ.ના પરિસર તેમજ આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સ્વચ્છતા અભિયાન દરમિયાન કર્મચારીઓ અને તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક શ્રમદાન કરી સ્વચ્છતા જાળવવાનો સંદેશ આપ્યો હતો. તેમજ આસપાસના વિસ્તારોમાં પણ સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવા અને અન્ય લોકોને સ્વચ્છતા માટે પ્રેરિત કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે ઉપસ્થિત સૌએ “સ્વચ્છતા એ સૌની જવાબદારી છે”ના સંદેશને જીવનમાં ઉતારી સ્વચ્છતા પ્રત્યે સતત જાગૃત રહી સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ સમાજના નિર્માણમાં સહભાગી બનવાનો સંકલ્પ કર્યો હતો.










