તા.૨૯.૦૯.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Dahod:દાહોદની ઝાયડસ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે ‘વર્લ્ડ હાર્ટ ડે’ નિમિત્તે હૃદયરોગ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
દાહોદ ઝાયડસ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, દાહોદ ખાતે કાર્યરત નવીન કાર્ડિયાક સેન્ટરમાં આજે ૨૯ સપ્ટેમ્બર, મંગળવારના રોજ ‘વર્લ્ડ હાર્ટ ડે’ (વિશ્વ હૃદય દિવસ) નિમિત્તે આધુનિક હૃદયરોગ સારવાર સુવિધાઓ અંગેનો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ વર્ષે “હૃદયની સંભાળ — સ્વસ્થ જીવનની શરૂઆત” ના પ્રેરણાદાયી સંદેશ સાથે આ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમની શરૂઆત સંસ્થાના ડીન અને સી.ઈ.ઓ. પ્રોફ.(ડો.) સંજય કુમાર તથા જાણીતા કાર્ડીયોલોજીસ્ટ ડો. આલોક મદાનના વરદ હસ્તે કરવામાં આવી હતી. આ પ્રસંગે હોસ્પિટલના ચીફ મેડીકલ સુપ્રીન્ટેન્ડન્ટ, મેડીકલ સુપ્રીન્ટેન્ડન્ટ, ડેપ્યુટી મેડીકલ સુપ્રીન્ટેન્ડન્ટ, વાઈસ પ્રેસીડેન્ટ સહિત તમામ વિભાગોના વડાઓ, તબીબો, મેનેજમેન્ટ ટીમ અને નર્સિંગ સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો.ઉલ્લેખનીય છે કે, ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે હૃદયરોગના દર્દીઓ માટે અત્યાધુનિક તબીબી ઉપકરણો, સચોટ નિદાન અને શ્રેષ્ઠ સારવારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અહીં નિષ્ણાત તબીબો, નર્સિંગ સ્ટાફ અને તાલીમબદ્ધ પેરામેડિકલ સ્ટાફ ચોવીસ કલાક કાર્યરત છે. દર્દીઓને સમયસર અને ગુણવત્તાયુક્ત તબીબી સેવાઓ મળી રહે તે માટે હોસ્પિટલ તંત્ર સતત પ્રયત્નશીલ છે.આ આધુનિક કાર્ડિયાક સેન્ટરની સુવિધાથી માત્ર દાહોદ જિલ્લાના જ નહીં, પરંતુ આસપાસના અન્ય જિલ્લાઓ તેમજ સરહદી રાજ્ય મધ્યપ્રદેશ અને રાજસ્થાનના દર્દીઓને પણ પોતાના ઘરની નજીક જ શ્રેષ્ઠ સારવાર મળી રહેશે. હોસ્પિટલના આ આગવા આયોજનને કારણે દર્દીઓને અન્ય મોટા શહેરો તરફ લાંબા અંતર સુધી ધક્કા ખાવાની હાલાકીમાંથી મુક્તિ મળશે, જે સ્થાનિક અને આસપાસના ગરીબ તથા મધ્યમ વર્ગના પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.









