તારીખ ૦૭/૦૯/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરપાલિકાના વોર્ડ નં. ૪માં વર્ષોથી બિસ્માર હાલતમાં રહેલા જાહેર માર્ગનું કામ પૂર્ણ થતાં સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાગ્યોદય સોસાયટીથી વૃંદાવન સોસાયટીના ઢાળ સુધી, હાઈવેને જોડાતા મહત્વપૂર્ણ જાહેર માર્ગનું ગુણવત્તાયુક્ત CC રોડનું કામ પૂર્ણ થયું છે.આ માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી ખાડાઓ અને બિસ્માર હાલતના કારણે સ્થાનિક રહીશો તેમજ આ માર્ગ પરથી રોજિંદી અવરજવર કરતા વાહનચાલકો માટે ભારે મુશ્કેલીનું કારણ બન્યો હતો. ખાસ કરીને છેલ્લા પાંચ વર્ષથી આ સમસ્યા વધુ ગંભીર બની હતી. સ્થાનિક લોકોની લાંબા સમયથી ચાલતી આ સમસ્યાને ધ્યાનમાં રાખીને વોર્ડ નં. ૪ના કાઉન્સિલરો હરસદપુરી ગોસાઈ, નિલેશ સુથારીયા, અબ્દુલસલામ કાનોડિયા તથા અબ્દુલસલામ કોસિયા દ્વારા સતત રજૂઆતો કરવામાં આવી હતી.કાઉન્સિલરો દ્વારા માત્ર રજૂઆત પૂરતી જ નહીં પરંતુ રોડનું કામ શરૂ થયા બાદ પણ સતત સ્થળ પર દેખરેખ રાખી રોડની ગુણવત્તા, મજબૂતી તથા કામ યોગ્ય રીતે થાય તે અંગે સતત તકેદારી રાખવામાં આવી હતી. જ્યાં રોડના કામમાં પણ ગુણવત્તાને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ટેન્ડર મુજબ ૮ ઇંચનું ખોદાણ કરી ૪ ઇંચ PCC તથા ત્યારબાદ રોડના લેવલ મુજબ ૪ થી ૫ ઇંચ Final CC કરવામાં આવ્યું છે. આ રીતે લાંબા સમય સુધી ટકી શકે અને વાહનવ્યવહારને અનુકૂળ રહે તેવો મજબૂત રોડ તૈયાર કરવામાં આવ્યો છે.આ સમગ્ર વિકાસકાર્યની સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે વોર્ડ નં. ૪ના ચારેય કાઉન્સિલરો અપક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા છે, જ્યારે કાલોલ નગરપાલિકામાં હાલ ભાજપની સત્તા છે. તેમ છતાં સત્તા પક્ષ દ્વારા કોઈપણ પ્રકારનો રાજકીય ભેદભાવ રાખ્યા વગર હાલની બોડી ચૂંટાયા બાદ કાલોલ નગરમાં સૌપ્રથમ મહત્વપૂર્ણ રોડનું કામ વોર્ડ નં. ૪માં કરવામાં આવ્યું છે.આ બાબત દર્શાવે છે કે વિકાસના કામમાં પક્ષીય મતભેદોને સ્થાન ન આપી પ્રજાના હિતને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “સૌનો સાથ, સૌનો વિકાસ” ના વિચારને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં પણ સાર્થક કરતી આ કામગીરી મતભેદ વગરની રાજનીતિ અને વિકાસલક્ષી અભિગમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.વોર્ડ નં. ૪ના કાઉન્સિલરો હરસદપુરી ગોસાઈ, નિલેશ સુથારીયા, અબ્દુલસલામ કાનોડિયા તથા અબ્દુલસલામ કોસિયાએ જણાવ્યું હતું કે,“ વિકાસ સમગ્ર પ્રજાનો અધિકાર છે. જ્યારે વાત પ્રજાના વિકાસ અને સુવિધાની આવે ત્યારે સૌ સાથે મળીને કામ કરવું એ જ સાચી લોકશાહી છે.”આ વિકાસકાર્યને સાકાર કરવામાં સહયોગ તથા માર્ગદર્શન આપવા બદલ કાલોલ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સમિતિના સભ્યઓ, ધારાસભ્ય તથા સાંસદનો વોર્ડ નં. ૪ના કાઉન્સિલરો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.વર્ષોથી ચાલતી સમસ્યાનો અંત આવી મજબૂત અને ગુણવત્તાયુક્ત રોડ મળતાં વોર્ડ નં. ૪ના રહીશોમાં ખુશીનો માહોલ છે અને આગામી સમયમાં પણ વોર્ડની અન્ય પ્રાથમિક સમસ્યાઓના નિરાકરણ માટે સતત પ્રયત્નો ચાલુ રાખવાની ખાતરી કાઉન્સિલરો દ્વારા આપવામાં આવી છે.








