મુંદરામાં અદાણી ફાઉન્ડેશન દ્વારા ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત 15 ગામોમાં 9,580 રોપાનું વિતરણ

મુંદરા, તા.૨૫ ઓક્ટોબર ૨૦૨૬:
પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના ઉદ્દેશ સાથે અદાણી પાવર મુંદરાના સહયોગથી અદાણી ફાઉન્ડેશન દ્વારા ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત મુંદરા આસપાસના 15 ગામોમાં વૃક્ષારોપણ અને રોપા વિતરણનો એક વ્યાપક કાર્યક્રમ યોજાયો હતો.
સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસ દરમિયાન ચલાવવામાં આવેલા આ પર્યાવરણ લક્ષી અભિયાન હેઠળ વિવિધ ગામોની હાઈસ્કૂલો, પ્રાથમિક શાળાઓ અને જાહેર સ્થળો સહિત કુલ 32 જગ્યાઓ પર 9,580 રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે વિદ્યાર્થીઓ પોતાના ઘરે વૃક્ષ વાવીને તેની યોગ્ય સંભાળ રાખે તેવા હેતુથી તેમને ફળાઉ રોપાઓ પણ આપવામાં આવ્યા હતા. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર વૃક્ષારોપણ સુધી સીમિત ન રહીને બાળકો, યુવાનો અને ગ્રામજનોમાં પ્રકૃતિ પ્રત્યે જવાબદારી અને વૃક્ષોના જતનની ભાવના વિકસાવવાનો છે. પ્રત્યેક રોપાને માતાના સન્માન સાથે જોડીને પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતાવ્યક્ત કરવાનો સુંદર સંદેશ આ પહેલ દ્વારા આપવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં સીરાચા, નવીનાળ, દેશલપર, ટુંડા, વાંઢ, મોટા કાંડાગરા, મોટા ભાડીયા, નાના ભાડિયા, ત્રગડી, મોટી ખાખર, રામાણીયા, પ્રતાપપર અને નાની ખાખર સહિતના ગામોના વિદ્યાર્થીઓ, સરપંચશ્રીઓ, સામાજિક આગેવાનો તથા શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) ના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન મુંદરા તાલુકા પંચાયતના ઉપાધ્યક્ષ હમીરભાઈએ બાળકોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, “માતાના ઋણને યાદ રાખીને દરેક બાળકે ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવું જોઈએ અને તેનું નિયમિત જતન પણ કરવું જોઈએ.”
તેમજ મોટા કાંડાગરાના અગ્રણી ડાયાભાઈએ અદાણી ફાઉન્ડેશનની આ પહેલને બિરદાવતા કહ્યું હતું કે, “વૃક્ષ મનુષ્યને જીવનભર મદદરૂપ થાય છે, તેથી વધુમાં વધુ વૃક્ષો વાવી તેમનું સંવર્ધન કરવું એ આપણી સૌની સામાજિક જવાબદારી છે.”
આ ઉપરાંત નાના ભાડીયાના જળક્રાંતિના પ્રણેતા દેવાંગભાઈ ગઢવીએ વૃક્ષોને ધરતીનો સાચો શણગાર ગણાવતા ઉમેર્યું કે, હરિયાળી વધવાથી આપણું પર્યાવરણ અને આવનારી પેઢીનું ભવિષ્ય સુરક્ષિત બનશે. રામાણીયાના સરપંચ બલવંતસિંહ ગોહિલે પણ આ પર્યાવરણલક્ષી પહેલની સરાહના કરી હતી.
15 ગામો અને 32 સ્થળોને આવરી લેતા આ અભિયાનને વૃક્ષારોપણને એક સામૂહિક જવાબદારી તરીકે સ્થાપિત કર્યું છે, જેને સ્થાનિક શાળાઓ, ગ્રામજનો અને અગ્રણીઓ તરફથી ખૂબ જ ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો છે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com









