તા.03/10/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


સાંસદ ચંદુભાઈ શિહોરા અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સહિતના અગ્રણીઓની ખાસ ઉપસ્થિત, સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યસનમુક્તિનો વ્યાપ વધારવા અને યુવા પેઢીને તંદુરસ્ત જીવન તરફ પ્રેરવાના ભગીરથ ઉદ્દેશ્ય સાથે ૨ થી ૮ ઓક્ટોબર દરમિયાન રાજ્યવ્યાપી ‘નશાબંધી સપ્તાહ’નો શુભારંભ કરવામાં આવ્યો છે. આ ઉજવણીના ભાગરૂપે દુધરેજ રોડ સ્થિત શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમને સંબોધતા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, વ્યસન માત્ર એક વ્યક્તિના સ્વાસ્થ્યને જ નહીં, પરંતુ તેના સમગ્ર પરિવારની આર્થિક અને સામાજિક સ્થિતિને પણ બરબાદ કરી દે છે. તમાકુ, ગુટખા અને દારૂ જેવા દૂષણો કેન્સર જેવા અસાધ્ય રોગો નોતરે છે. પૂજ્ય મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતી નિમિત્તે શરૂ થયેલા આ સપ્તાહમાં આપણું કુટુંબ, ગામ અને સમગ્ર રાજ્ય નશામુક્ત બને તેવો સંકલ્પ લેવો જરૂરી છે. વડાપ્રધાનના ‘વિકસિત ભારત ૨૦૪૯’ના સ્વપ્નને સાકાર કરવા વ્યસનમુક્ત અને સશક્ત ગુજરાતનું નિર્માણ અનિવાર્ય છે. સાંસદ ચંદુભાઈ શિહોરાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે દેશનું યુવાધન સૌથી મૂલ્યવાન મૂડી છે. તેમણે યુવાનોને કોઈ પણ પ્રકારના વ્યસનથી દૂર રહી નશામુક્ત જીવન જીવવાની આહલેક જગાવી હતી તેમજ અસામાજિક કે નશાકારક પ્રવૃત્તિઓ ધ્યાને આવે તો તુરંત પોલીસને જાણ કરવા અપીલ કરી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા કે સ્ટેટસ સિમ્બોલના મોહમાં સિગારેટથી શરૂ થતો નશો યુવાનોને સિન્થેટિક ડ્રગ્સ સુધી પહોંચાડી દે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે દરેક જિલ્લામાં ‘એન્ટી નાર્કોટિક્સ વિંગ’ કાર્યરત છે. નશાનો ભોગ બનેલા પીડિતોને મદદ કરી સામાન્ય જીવનમાં પાછા લાવવાના માનવતાવાદી પ્રયાસો કરાશે, જ્યારે નશીલા પદાર્થો વેચતા પેડલરો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રસંગે સમાજમાં જાગૃતિ લાવવા માટે વક્તૃત્વ સ્પર્ધા, વિશેષ પ્રેઝન્ટેશન અને ઉપસ્થિત સૌ નાગરિકો દ્વારા સામૂહિક વ્યસનમુક્તિ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. કાર્યક્રમમાં મેયર રાકેશભાઈ રાઠોડ, ડેપ્યુટી મેયર શ્રીમતી સ્મિતાબેન રાવલ, ડીવાયએસપી પાર્થ પરમાર સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ, મેડિકલ સ્ટાફ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.










