તારીખ ૦૩/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જનસેવા અને સુશાસનના 25 ગૌરવવંતા વર્ષો પૂર્ણ થવાના અવસરે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત કાલોલ તાલુકાના ખડકી ગામ ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કાલોલ મતવિસ્તારના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે કાલોલ મામલતદાર વિકાસભાઈ પટેલ,કાલોલ તાલુકા વિકાસ અધિકારી હરદેવભાઇ ચૌહાણ, જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ, કાલોલ તાલુકા ભાજપ મંડળના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો અને આજુબાજુના ગામના સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્યએ ગ્રામજનો સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો અને સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની વિગતવાર માહિતી આપી હતી. સેવા સેતુના માધ્યમથી એક જ સ્થળે આવકના દાખલા, જાતિના દાખલા, આધાર કાર્ડ સુધારા, રેશનકાર્ડ, વિધવા સહાય, વૃદ્ધ પેન્શન સહિતની 50 થી વધુ યોજનાઓના લાભો ગ્રામજનોને ઘરઆંગણે જ પૂરા પાડવામાં આવ્યા હતા. જ્યાં ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, “સેવા સેતુ એ સરકાર અને પ્રજા વચ્ચેનો સેતુ છે. છેવાડાના માનવી સુધી યોજનાઓ પહોંચે અને કોઈ લાભાર્થી યોજનાથી વંચિત ન રહે તે જ અમારો સંકલ્પ છે.કાર્યક્રમ દરમિયાન વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ધારાસભ્યશ્રીના હસ્તે સહાયના હુકમો અને પ્રમાણપત્રોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ગ્રામજનોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો.









