વાત્સલ્યમ.સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ 

રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તેમજ પ્રાકૃતિક કૃષિની ખેત પેદાશો શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ઉપલબ્ધ થઇ શકે અને તેના થકી પ્રાકૃતિક કૃષિની પેદાશોને વધુ વેગ મળે તે હેતુથીતા. ૦૩/૧૦/૨૦૨૬ ના રોજ અરંટવા તા-રાહ જિલ્લો વાવ-થરાદ ખાતે માન.કેશાજી ચૌહાણ,(માન.ધારાસભ્ય દિયોદર,)ના અધ્યક્ષ સ્થાને પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતાં અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે, “રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓથી મુક્ત એવી દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી આજે સમયની માંગ છે. આ વેચાણ કેન્દ્ર શરૂ થવાથી પ્રાકૃતિક ખેતી કરતા સ્થાનિક ખેડૂતોને પ્રાકૃતિક ખેત પેદાશો માટે સીધું બજાર મળશે અને લોકોને શુદ્ધ, સાત્વિક તેમજ પોષકતત્વોથી ભરપૂર આહાર સરળતાથી ઉપલબ્ધ થશે.” વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ધરતી માતાના સ્વાસ્થ્યનું રક્ષણ કરવા સાથે માનવ સ્વાસ્થ્યને ગંભીર બીમારીઓથી બચાવવા માટે પ્રાકૃતિક જીવનશૈલી અપનાવવી અનિવાર્ય છે. આ કેન્દ્ર માત્ર એક દુકાન નથી પરંતુ જનઆરોગ્ય અને પર્યાવરણ સુરક્ષા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત કૃષિ નિષ્ણાતો અને અગ્રણીઓ દ્વારા રાસાયણિક ખાતરો છોડી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. પ્રાકૃતિક ખેતીથી ખેતી ખર્ચ ઘટે છે અને જમીનની ભેજસંગ્રહશક્તિ વધે છે.
આ પ્રસંગે ઉપસ્થિત ખેડૂતોએ આ પહેલને આવકારી હતી અને જણાવ્યું હતું કે આવા કાયમી વેચાણ મંચથી પ્રાકૃતિક કૃષિ અપનાવતા અન્ય ખેડૂતોને પણ મોટું પ્રોત્સાહન મળશે.
કાર્યક્રમમાં સ્થાનિક અગ્રણીઓ, કૃષિ વિભાગના અધિકારીઓ, સહકારી ક્ષેત્રના આગેવાનો તથા મોટી સંખ્યામાં ખેડૂતો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ ખેડૂત ભાઈઓએ પોતાની ખેતીમાં ઉત્તરોત્તર રાસાયણિક ખાતરોનો વપરાશ ઘટાડી, પ્રાકૃતિક કૃષિ અપનાવવાનો સંકલ્પ કર્યો હતો. બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ નુ વિતરણ કરવામાં આવ્યુ હતુ આ પ્રસંગે નાયબ બાગાયત નિયામકશ્રી તેમજ આત્મા તેમજ અન્ય વિવિધ વિભાગના કર્મેચારી/અધિકારીશ્રીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા..









