વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : મહાત્મા ગાંધીજીની જન્મજયંતી અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા પરિવહન રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીએ જૂનાગઢના કાળવા ચોક ખાતેની કડિયાવાડ બજારમાં સફાઈ ઝુંબેશમાં જોડાઈને શ્રમદાન કર્યું હતું.
આ અભિયાન દરમિયાન મંત્રીએ સફાઈ કર્મચારીઓ અને લારીધારકો સાથે સહજ સંવાદ સાધીને આરોગ્યની કાળજી રાખવા સૂચના આપી હતી તેમજ બજારમાં વધુ સારી સ્વચ્છતા જાળવવા પર ભાર મૂક્યો હતો. તેમણે શાકભાજીના નાના વેપારીઓને પ્રોત્સાહિત કરવા માટે તેમની પાસેથી પ્રતીકાત્મક ખરીદી પણ કરી હતી.
આ પ્રસંગે વાતચીત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીએ શરૂ કરેલી સ્વચ્છતાની ચળવળને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આગળ વધારી દેશ અને નગરને સ્વચ્છ રાખવાનું આહ્વાન કર્યું છે. સ્વચ્છતાનો આગ્રહ દરેકના રોજિંદા જીવનનો ભાગ બનવો જરૂરી છે. આધ્યાત્મિક ધરોહર ધરાવતા જૂનાગઢ શહેરમાં આ કાર્યમાં જોડાવવાને તેમણે પોતાનું સૌભાગ્ય ગણાવ્યું હતું.
આ સ્વચ્છતા ઝુંબેશમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ કમિટી ચેરપર્સન પલ્લવીબેન ઠાકર, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, દંડક કલ્પેશ અજવાણી, મ્યુનિસિપલ કમિશનર આઈ. આર. વાળા, ડેપ્યુટી કમિશનર કે. સી. વાઘેલા સહિતના પદાધિકારીઓ અને મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.












