દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભંડારિયા આયુષ્માન આરોગ્ય મંદિરને રાષ્ટ્રીય કક્ષાએ NQAS એવોર્ડની સિદ્ધિ મેળવી

જામનગર
(નયના દવે દ્વારા)
આરોગ્ય ક્ષેત્રે ઉત્તમ અને ગુણવત્તાયુક્ત સેવાઓ માટે આપવામાં આવતા રાષ્ટ્રીય કક્ષાના NQAS એવોર્ડમાં ખંભાળિયા તાલુકાના બજાણા આરોગ્ય કેન્દ્ર હેઠળના ભંડારિયા આયુષ્માન આરોગ્ય મંદિરએ નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. કેન્દ્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી અને આરોગ્ય સેવાઓની ગુણવત્તાને રાષ્ટ્રીય કક્ષાએ માન્યતા મળતા સમગ્ર આરોગ્ય વિભાગમાં આનંદની લાગણી પ્રસરી છે.
ભંડારિયા આયુષ્માન આરોગ્ય મંદિરનું સૌપ્રથમ વર્ચ્યુઅલ માધ્યમથી એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રીય કક્ષાની ટીમ દ્વારા અચાનક ફિઝિકલ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ એસેસમેન્ટ દરમિયાન આરોગ્ય કેન્દ્રને 93 ટકા ગુણ પ્રાપ્ત થયા હતા.
આ મહત્વપૂર્ણ સફળતા બદલ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ ભંડારિયા આયુષ્માન આરોગ્ય મંદિરની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. જેમાં CHO શ્રી રમીલાબેન ચુડાસમા, ખુશ્બુ મારું, રમેશ પિંડારિયા સહિત આરોગ્ય કેન્દ્રને માર્ગદર્શન અને સહયોગ આપનાર તમામ મેન્ટર તથા સભ્યોની કામગીરીને બિરદાવવામાં આવી હતી.
તે ઉપરાંત દ્વારકા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 20 આયુષ્માન આરોગ્ય કેન્દ્રો NQAS એવોર્ડ મેળવી ચૂક્યા છે. ભંડારિયા આયુષ્માન આરોગ્ય મંદિરની આ સિદ્ધિથી જિલ્લાના આરોગ્ય વિભાગની કામગીરીને વધુ એક રાષ્ટ્રીય સ્તરની ઓળખ મળી છે










