
સમીર પટેલ, ભરૂચ

ભરૂચ શહેરમાં નશાના કારોબાર સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ડુંગરી રેલવે ફાટક નજીકથી MD ડ્રગ્સના જથ્થા સાથે એક યુવાનને ઝડપી પાડ્યો છે. પોલીસની આ કાર્યવાહીમાં 76 ગ્રામ MD ડ્રગ્સ અને એક મોપેડ સહિત કુલ રૂ. 2.88 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઝડપાયેલા યુવાનની ઓળખ ધ્રુવ ગોહિલ તરીકે થઈ છે.આ કેસમાં સામે આવેલી માહિતી મુજબ, ઝડપાયેલો યુવાન ડ્રગ્સના વેચાણ સાથે સંકળાયેલો હોવાનું જાણવા મળ્યું છે. તે અલગ-અલગ નામનાં પેકેટ બનાવી ડ્રગ્સનું વેચાણ કરતો હોવાની પણ માહિતી મળી છે. પોલીસે આરોપી પાસેથી 76 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો કબજે કર્યા બાદ હવે આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું તે દિશામાં તપાસ શરૂ કરી છે. આરોપીને ડ્રગ્સનો જથ્થો પૂરો પાડનાર વ્યક્તિ કે કોઈ નેટવર્ક કાર્યરત હતું કે કેમ, તેમજ આ નશીલા પદાર્થનું વેચાણ કોને કરવામાં આવતું હતું તે સહિતના મુદ્દાઓ તપાસના કેન્દ્રમાં છે.
ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.










