MORBI:મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીનો માનવતાવાદી અભિગમ: નવરાત્રિ પર્વે ૨૫ જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટ અર્પણ


મોરબી:માનવસેવા એ જ સાચી પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરતા મોરબીની સેવાભાવી સંસ્થા ‘મુસ્કાન વેલ્ફેર સોસાયટી’ દ્વારા છેલ્લા ચાર વર્ષથી અવિરત સેવાયજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે. નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે સંસ્થા દ્વારા “Adoption of Maa” પ્રોજેક્ટ અંતર્ગત સમાજની ૨૫ નિરાધાર અને જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટ અર્પણ કરવામાં આવી હતી.
મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ચલાવવામાં આવતા “Adoption of Maa” પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય એવી વૃદ્ધ, એકલવાયું જીવન જીવતી કે શારીરિક અસમર્થતાના કારણે આજીવિકા રળવા અસમર્થ હોય તેવી માતાઓને જીવનજરૂરી પાયાની સામગ્રી પૂરી પાડવાનો છે. નબળી આર્થિક સ્થિતિ ધરાવતી આ માતાઓને દર મહિને નિયમિતપણે રાશન કિટ પહોંચાડવામાં આવે છે.
સંસ્થાના જણાવ્યા અનુસાર, દર મહિને ૨૫ જરૂરિયાતમંદ પરિવારોને નિયમિત રાશન સહાય આપવામાં આવે છે અને નવા કિસ્સાઓ ધ્યાને આવતા તેમને પણ સહાય પહોંચાડવાના પૂરતા પ્રયાસો કરવામાં આવે છે. નવરાત્રિ જેવા આદ્યશક્તિના આરાધનાના પર્વે સાક્ષાત માતૃશક્તિ સમાન આ માતાઓની સેવા કરી સંસ્થાના સભ્યોએ ધન્યતા અને આત્મસંતોષ વ્યક્ત કર્યો હતો.

સેવાકાર્યમાં સહભાગી બનવા અપીલ
સંસ્થાએ જાહેર જનતાને અપીલ કરી છે કે જો આપની આસપાસ કોઈ એવી અસહાય, વૃદ્ધ કે આર્થિક રીતે નબળી માતા રહેતી હોય જેને ખરેખર અનાજ-રાશનની જરૂરિયાત હોય, તો સંસ્થાનો સંપર્ક કરવો. આ ઉપરાંત આ સેવાયજ્ઞને વધુ વિસ્તૃત બનાવવા માટે આર્થિક સહયોગ/દાન પણ આવકાર્ય છે.સંપર્ક: મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબીમોબાઈલ નંબર: 9016976954












