MORBI મોરબી રાજકોટ હાઇવે પર બિનવારસી સ્કૂટરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, એક શખ્સ સામે ગુનો દાખલ

મોરબી સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન શક્ત શનાળા-રાજકોટ હાઇવે પર આવેલા જે.કે. વુડન કારખાના સામે લીમડાના ઝાડ નીચે પાર્ક કરેલા એક જ્યુપીટર સ્કૂટરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

મળતી વિગતો અનુસાર, સિટી ‘એ’ ડિવિઝન પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન કાળા રંગનું ટીવીએસ જ્યુપીટર સ્કૂટર (રજિસ્ટ્રેશન નં. GJ-36 AQ-7634) બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું. પોલીસે સ્કૂટરની ડેકી ખોલીને જોતાં તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના ૫૪ નંગ ચપલા (કિંમત રૂ. ૬,૪૮૦) મળી આવ્યા હતા.
પોલીસે રૂ. ૬,૪૮૦ ની કિંમતનો દારૂ તેમજ રૂ. ૫૦,૦૦૦ ની કિંમતનું જ્યુપીટર સ્કૂટર મળી કુલ રૂ. ૫૬,૪૮૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો મોરબીના શક્ત શનાળા નીતિનનગરમાં રહેતા દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભા છત્રસિંહ જાડેજાનો હોવાનું સામે આવ્યું છે. આરોપી ઘટનાસ્થળે હાજર ન મળી આવતા પોલીસે તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.












