મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે ગાંધી આશ્રમની મુલાકાત લીધી

રિપોર્ટર

હિતેન્દ્ર ગોસાઈ

અમદાવાદ

અમદાવાદ: ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર આજથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. ગુજરાતની મુલાકાત દરમિયાન તેમણે સૌપ્રથમ અમદાવાદના સાબરમતી નદીના તટે આવેલા ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી.

 

ગાંધી આશ્રમ ખાતે પહોંચેલા મુખ્ય ચૂંટણી કમિશનરે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભરી શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે તેમણે ગાંધીજીના જીવન, વિચારો અને દેશની આઝાદીની ચળવળમાં ગાંધી આશ્રમના ઐતિહાસિક મહત્વ વિશે પણ માહિતી મેળવી હતી.

 

મુખ્ય ચૂંટણી કમિશનરે આશ્રમ પરિસરમાં આવેલા ગાંધીજીના નિવાસસ્થાન હૃદય કુંજની પણ મુલાકાત લીધી હતી. અહીં તેમણે ગાંધીજીના સાદગીપૂર્ણ જીવન સાથે જોડાયેલી વિવિધ વસ્તુઓ અને સ્થળોની મુલાકાત લીધી હતી. તેમણે રેંટિયો કાતવાની પ્રક્રિયા પણ નિહાળી હતી અને ગાંધીજીના સ્વદેશી તથા આત્મનિર્ભરતાના વિચારોને યાદ કર્યા હતા.

 

ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે આશ્રમના શાંતિપૂર્ણ અને ઐતિહાસિક વાતાવરણથી પ્રભાવિત થઈ મુલાકાતી પુસ્તકમાં પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, “જે પવિત્ર સ્થળેથી વિશ્વ શાંતિ અને માનવતાનો સંદેશ પ્રસર્યો છે, તે પવિત્ર સ્થળની મુલાકાત લેવી મારા માટે સન્માનની વાત છે.”

 

આ મુલાકાત દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનરે ગાંધી આશ્રમના નવીનીકરણ અને વિકાસ માટે હાથ ધરવામાં આવેલા પ્રોજેક્ટ અંગે પણ માહિતી મેળવી હતી. આશ્રમના ઐતિહાસિક વારસાનું જતન, સંરક્ષણ અને તેના વિકાસ માટે કરવામાં આવી રહેલી કામગીરી અંગે તેમને વિગતવાર જાણકારી આપવામાં આવી હતી.

 

ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી સંદીપ સાગળે, અમદાવાદ કલેક્ટર ભવ્ય વર્મા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ મુખ્ય ચૂંટણી કમિશનરને ગાંધી આશ્રમ તેમજ આશ્રમના નવીનીકરણ પ્રોજેક્ટ અંગે જરૂરી માહિતી પૂરી પાડી હતી.

 

ગુજરાતની બે દિવસીય મુલાકાત દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર વિવિધ ચૂંટણીલક્ષી કામગીરી અને સંબંધિત બાબતો અંગે પણ સમીક્ષા કરશે. ગાંધી આશ્રમની મુલાકાત સાથે તેમની ગુજરાત મુલાકાતની શરૂઆત ઐતિહાસિક અને પ્રેરણાદાયી વાતાવરણમાં થઈ હતી.

24
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો