તા.૧૦/૧૦/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
વિવિધ સરકારી વિભાગોની કામગીરીની સમીક્ષા કરાઈ : પ્રશ્નોનો સ્થળ પર ઉકેલ લાવવા માર્ગદર્શન અપાયું
Rajkot: ગુજરાતમાં નાગરિકોને ઘરઆંગણે સરકારી સેવાઓ મળી રહે, તે હેતુથી બે તબક્કામાં ‘સેવાસેતુ કાર્યક્રમ ૨.૧’નું આયોજન કરવામાં આવ્યું છે. સેવાસેતુ કાર્યક્રમનો પ્રથમ તબક્કો ગત તા. ૦૬ ઓગસ્ટથી આગામી તા.૧૯ સપ્ટેમ્બર સુધી તેમજ બીજો તબક્કો આગામી તા. ૨૧ સપ્ટેમ્બરથી તા. ૦૯ ઓક્ટોબર સુધી યોજાશે. જેના સુદ્રઢ અમલીકરણ અર્થે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.એચ.બારોટની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રીએ સેવાસેતુ કાર્યક્રમના બંને તબક્કાઓ દરમિયાન ગ્રામીણ વિસ્તારના નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે, તે માટે વિવિધ સરકારી વિભાગોની કામગીરીની સમીક્ષા કરી હતી. વિવિધ કચેરીઓને નિર્ધારિત લક્ષ્ય સાથે સોંપવામાં આવેલી કામગીરી સમયસર પૂર્ણ કરવા ઉપર ભાર મૂક્યો હતો. તેમજ સરકારી યોજનાઓની જાગૃતિ ફેલાવવા અનુરોધ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ‘સેવાસેતુ કાર્યક્રમ ૨.૧’ના પ્રથમ તબક્કા દરમિયાન આધાર કાર્ડ, રાશન કાર્ડ, આયુષ્માન કાર્ડ, કુંવરબાઈનું મામેરું, સુકન્યા સમૃદ્ધિ સહિત વિવિધ યોજનાઓ તેમજ વીજ જોડાણ, પશુ રસીકરણ, બેન્ક સેવાના લાભ મેળવવા માટે ડોક્યુમેન્ટની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે, જ્યારે બીજા તબક્કામાં અરજદારોને સેવાઓનો લાભ આપવામાં આવશે. ત્યારે નિવાસી અધિક કલેક્ટરશ્રીએ સેવાસેતુ કાર્યક્રમના માધ્યમથી સ્થાનિકકક્ષાએ લોકોની અરજીઓ અને પ્રશ્નોનો સ્થળ પર ઉકેલ લાવવા માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ તકે પ્રાંત અધિકારી શ્રી ભરત ચાવડા, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી અજય ઝાપડા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી દીક્ષિત પટેલ, જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી જનકસિંહ ગોહિલ સહિત સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રાંત અધિકારીશ્રીઓ અને મામલતદારો જોડાયા હતા.
*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*






