વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

*વન વિભાગે રૂ. ૧.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ભારતીય વન અધિનિયમ હેઠળ કાર્યવાહી હાથ ધરી*
દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી નિરજકુમાર તથા મદદનીશ વન સંરક્ષક શ્રી જૈનિલ દેસાઈના માર્ગદર્શન હેઠળ આહવા-પૂર્વ રેંજના વનકર્મીઓ દ્વારા ગેરકાયદેસર વૃક્ષ કટીંગ સામે હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન સાગના વૃક્ષનું ગેરકાયદેસર કટીંગ કરતા ત્રણ વ્યક્તિઓને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે.
આહવા-પૂર્વ રેંજના કંપા નં. ૧૨૯ના જંગલ વિસ્તારમાં તા. ૮/૯/૨૦૨૬ના રોજ સાગના વૃક્ષનું ગેરકાયદેસર કટીંગ થઈ રહ્યું હોવાની સ્થાનિક વનકર્મીઓને બાતમી મળતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. સ્થળ પર તપાસ કરતાં (૧) ભરતભાઈ નાનુભાઈ નિંબારે, (૨) તુકારામભાઈ નાનુભાઈ નિંબારે અને (૩) નરેન્દ્રભાઈ નાનુભાઈ નિંબારે, તમામ રહે. બોરખેત, તા. આહવા, જિ. ડાંગ, સાગના વૃક્ષનું કટીંગ કરતા રંગેહાથ ઝડપાઈ આવ્યા હતા.
આ ત્રણેય વિરુદ્ધ ભારતીય વન અધિનિયમ, ૧૯૨૭ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓની વધુ તપાસ હાથ ધરતાં આરોપી ભરતભાઈ નાનુભાઈ નિંબારેના બોરખેત ખાતેના રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર રીતે સંતાડવામાં આવેલ સાગના પાટિયા તથા રંધા મશીન મળી આવ્યા હતા, જેની અંદાજિત બજાર કિંમત રૂ. ૪૫,૦૦૦/- થાય છે.
આ ઉપરાંત, કંપા નં. ૧૨૯ના જંગલ વિસ્તારમાંથી કાપવામાં આવેલ સાગના એક વૃક્ષનો કુલ ૨.૩૫૪ ઘન મીટર જથ્થો, જેની અંદાજિત બજાર કિંમત રૂ. ૮૫,૦૦૦/- થાય છે, તે પણ જપ્ત કરવામાં આવ્યો છે. આમ, વન વિભાગ દ્વારા સમગ્ર કાર્યવાહી દરમિયાન અંદાજિત કુલ રૂ. ૧,૩૦,૦૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ સમગ્ર કામગીરી આહવા ફોરેસ્ટ ઓફિસરશ્રી એ.બી.ઠેબા, રા.ફો. આહવા-પૂર્વ સુનિલ ગાવિત, રા.ફો. કલમવિહિર એસ.એસ. પવાર, રા.ફો. બોરખલ વી.આર. રાણા, બીટગાર્ડ બોરખેત કે.બી. ચૌધરી, બીટગાર્ડ ગોંડલવિહિર બી.જે. ગાવિત, બીટગાર્ડ પાંડવા એસ.જી. પાડવી તથા રેન્જ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
વન સંપત્તિનું ગેરકાયદેસર કટીંગ કે હેરફેર કરનાર તત્વો સામે વન વિભાગ દ્વારા કાયદેસરની અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.





