તારીખ ૧૨/૧૨/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
નવરાત્રી અને દિવાળીના તહેવારો દરમિયાન પંચમહાલ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ રહે તથા ચોરી, લૂંટ જેવા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાત દ્વારા મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને એસ.ઓ.જી. ગોધરાના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એ. વાઘેલા દ્વારા જિલ્લાની તમામ બેંકોના મેનેજરો, સોના-ચાંદીના દાગીનાનું વેચાણ કરનાર જ્વેલર્સ અને આંગડિયા પેઢીના સંચાલકો સાથે એક મહત્વપૂર્ણ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય તહેવારોમાં નાણાકીય લેવડ-દેવડ વધતી હોવાથી સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો અને નાગરિકોની મૂડીની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો.બેઠકમાં તમામ બેંકો, ATM, જ્વેલર્સની દુકાનો અને આંગડિયા પેઢીના સંચાલકોને તેમના સ્થળો પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા કાર્યરત સ્થિતિમાં રાખવા અને નાઈટ વિઝન તથા સારી ગુણવત્તાવાળા કેમેરા સુનિશ્ચિત કરવા તાકીદ કરવામાં આવી હતી. તેમજ હાઈ-ટેક એલાર્મ સિસ્ટમ રાખવા, કર્મચારીઓ અને સિક્યુરિટી ગાર્ડનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત કરાવવા સૂચના આપવામાં આવી હતી.સાથે જ જ્યારે પણ મોટી રકમ કે સોના-ચાંદી જેવી કિંમતી વસ્તુની હેરફેર કરવાની થાય ત્યારે પોલીસ વિભાગનો સહયોગ લેવા અને વિશેષ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી હતી.










