વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સ્નેહલ ઠાકરે કલેક્ટરને લેખિત રજૂઆત કરી; પગાર વિલંબની સમસ્યાના કાયમી ઉકેલ માટે પણ માંગ ઉઠાવી
આગામી પવિત્ર દિવાળી પર્વને ધ્યાનમાં રાખીને ડાંગ જિલ્લાના સરકારી, અર્ધસરકારી, કાયમી, બોન્ડેડ, કરાર આધારિત, હંગામી અને રોજમદાર કર્મચારીઓને દિવાળી પૂર્વે એડવાન્સ પગાર તથા લાગુ પડતું ઉત્સવ બોનસ ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠી છે. ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને જિલ્લા પંચાયતના સભ્ય સ્નેહલ ઠાકરે આ મુદ્દે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી કર્મચારીઓના હિતમાં તાત્કાલિક પગલાં ભરવા અપીલ કરી છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ, ડાંગ જેવા આદિવાસી અને પછાત જિલ્લામાં છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓ અને વહીવટી સેવાઓ પહોંચાડવામાં વિવિધ વિભાગોના કર્મચારીઓ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમ છતાં, કેટલાક કર્મચારીઓને સમયસર પગાર ન મળવાને કારણે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાની રજૂઆત કરવામાં આવી છે. ખાસ કરીને કરાર આધારિત, હંગામી અને રોજમદાર કર્મચારીઓને લાંબા સમય સુધી પગારની રાહ જોવી પડતી હોવાની તેમજ કેટલાક કિસ્સાઓમાં બે-ત્રણ મહિના સુધી પગાર અટવાતો હોવાની બાબત તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે.
પગાર વિલંબથી કર્મચારીઓના પરિવારો પર આર્થિક બોજ
સમયસર પગાર ન મળવાથી કર્મચારીઓને પરિવારનું ગુજરાન ચલાવવા ઉપરાંત બાળકોની શાળાની ફી, વીજળીનું બિલ, બેંકના હપ્તા અને અન્ય દૈનિક ખર્ચાઓને પહોંચી વળવામાં મુશ્કેલી પડતી હોવાનો ઉલ્લેખ રજૂઆત માં કરાયો છે. આર્થિક સંકડામણના કારણે કેટલાક કર્મચારીઓને મિત્રો અને સંબંધીઓ પાસેથી નાણાં ઉછીનાં લેવાની ફરજ પડતી હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે.
આવી પરિસ્થિતિ કર્મચારીઓમાં માનસિક તણાવ અને અસંતોષ ઊભો કરી શકે છે, જેની અસર તેમના પારિવારિક જીવન અને કાર્યક્ષમતા પર પણ પડી શકે છે. દિવાળી પ્રકાશ, આનંદ અને ખુશીઓનો પર્વ હોવાથી કોઈપણ કર્મચારીનો પરિવાર આર્થિક મુશ્કેલીના કારણે તહેવારની ઉજવણીથી વંચિત ન રહે તે માટે વહીવટી તંત્રે સંવેદનશીલ અભિગમ અપનાવવો જોઈએ તેવી માંગ કરવામાં આવી છે.
દિવાળી પહેલાં ચૂકવણી માટે વિભાગોને સૂચના આપવા અપીલ
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સ્નેહલ ઠાકરેએ જિલ્લા કલેક્ટરને અપીલ કરી છે કે સંબંધિત સરકારી વિભાગોને જરૂરી સૂચનાઓ આપી તમામ પાત્ર કર્મચારીઓને દિવાળી પૂર્વે એડવાન્સ પગાર તથા નિયમો મુજબ લાગુ પડતું ઉત્સવ બોનસ તેમના બેંક ખાતામાં જમા થાય તે માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે.
દર મહિને નિશ્ચિત તારીખે પગાર ચૂકવવાની વ્યવસ્થા ગોઠવવા માંગ
આ મુદ્દે તાલુકા પંચાયતના સભ્ય રાકેશ પવારે પણ કર્મચારીઓની સમસ્યાને ગંભીરતાથી લઈને પગાર વિલંબની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમણે કર્મચારીઓને દર મહિને નિશ્ચિત તારીખે સમયસર પગાર મળી રહે તે માટે પારદર્શક અને વ્યવસ્થિત વહીવટી માળખું ઊભું કરવાની માંગ કરી છે, જેથી કર્મચારીઓ અને તેમના પરિવારોને વારંવાર આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે.
ડાંગ જિલ્લાના કર્મચારીઓ અને તેમના પરિવારજનોના હિતને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર આ રજૂઆતને ગંભીરતાથી લેશે તથા દિવાળી પૂર્વે પગાર અને લાગુ પડતા બોનસની ચૂકવણી સહિત નિયમિત પગાર વ્યવસ્થા સુનિશ્ચિત કરવા હકારાત્મક પગલાં લેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.










