વાહન માટે મનપસંદ કે આકર્ષક નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકો માટે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, જૂનાગઢ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. કચેરી હેઠળના વાહનોની નવી સીરીઝ જીજે-૧૧-ડીસી માટે પસંદગીના નંબર મેળવવા ઈ-ઓક્શન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. આ માટે ઇચ્છુક અરજદારો ઓનલાઈન નોંધણી કરાવી હરાજીમાં ભાગ લઈ શકશે. નવી સીરીઝના ફેન્સી નંબર માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા તા. ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સાંજે ૪:૦૦ કલાકથી શરૂ થઈ તા. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ બપોરે ૩:૫૯ કલાકે પૂર્ણ થશે. ત્યારબાદ ઈ-ઓક્શન પ્રક્રિયા તા. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સાંજે ૪:૦૦ કલાકથી તા. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સાંજે ૪:૦૦ કલાક સુધી યોજાશે. ઈચ્છુક વાહનમાલિકોએ પસંદગીના નંબર મેળવવા માટે ફેન્સી નંબર ઈ-ઓક્શન પોર્ટલ https://fancy.parivahan.gov.in પર નોંધણી કરી જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. ઈ-ઓક્શન માટે ગોલ્ડન કેટેગરીના પસંદગીના નંબરોની અપસેટ કિંમત રૂ. ૮,૦૦૦, સિલ્વર કેટેગરીના નંબરોની રૂ. ૩,૫૦૦ તથા અન્ય પસંદગીના નંબરોની રૂ. ૨,૦૦૦ નક્કી કરવામાં આવી છે. નોંધણી અને હરાજી સંબંધિત માર્ગદર્શિકા, પસંદગીના નંબરોની વિગતો તથા જરૂરી શરતો પોર્ટલ પર ઉપલબ્ધ રહેશે. અરજદારોએ ઓનલાઈન પ્રક્રિયા દરમિયાન દર્શાવેલી સૂચનાઓનું પાલન કરી સમયમર્યાદામાં નોંધણી કરાવવાની રહેશે. ઈ-ઓક્શન પ્રક્રિયા દરમિયાન આરબીઆઈ દ્વારા નક્કી કરાયેલા નિયમો મુજબ બિડ વધારવાની રહેશે તથા સફળ અરજદારે નિયત સમયમર્યાદામાં બાકી રકમ ભરવાની રહેશે. પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, જૂનાગઢ દ્વારા નવી સીરીઝના આકર્ષક નંબરો મેળવવા ઈચ્છુક નાગરિકોને સમયમર્યાદા પહેલાં ઓનલાઈન નોંધણી કરાવી ઈ-ઓક્શનમાં ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ







